ઉંઝાના જીરૂના વેપારીને પેમેન્ટ આપવા આવેલી દિલ્હીની ગેંગના બે ‘કારીગર’ ઝડપાયા
ઓનલાઈન આંગડિયા પેઢી મારફતે નાણાં મંગાવતા વેપારીઓને અસલી નોટોના બંડલના નામે ’ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નકલી નોટો પધરાવીને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદની ઘાટલોડિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. ઊંઝાના એક વેપારી સાથે 40 લાખ રૂૂપિયાની ઠગાઈ આચર્યા બાદ ફરીથી એ જ ઢબે અમદાવાદમાં નકલી નોટોની ડિલિવરી કરવા આવેલા દિલ્હી અને રાજસ્થાનના બે શખસોને પોલીસે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય ત્રણ મુખ્ય સૂત્રધારોની સંડોવણી પણ સામે આવતા પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, ઊંઝા ખાતે બી.બી. ટ્રેડર્સ નામે જીરું અને વરિયાળીનો વેપાર કરતા રોહિતકુમાર પટેલે નાગપુરથી વેપારના રૂૂપિયા 40 લાખ મંગાવવા માટે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ગત 17 નવેમ્બરના રોજ બે શખસો બેંકની સ્લિપ (પટ્ટી) મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલ પર બેંકની પટ્ટી લાગેલી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાનો વિશ્વાસ બેઠો હતો અને બીજી તરફ નાગપુર ખાતે રૂૂ. 40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. પરંતુ થેલો ખોલતા જ અંદર એકપણ અસલી નોટ નહોતી અને તમામ બંડલોમાં ’ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નકલી નોટો હોવાનું બહાર આવતા વેપારી ચોંકી ઉઠ્યા હતા.
પોતાની સાથે રૂૂ. 40 લાખની છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આરોપીઓને પકડવા માટે એક ખાસ યોજના ઘડી હતી. જે અંતર્ગત ફરીથી નાગપુરથી અમદાવાદ ખાતે ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું. ગેંગના સભ્યો પણ ફરીથી કમિશન મેળવવાની લાલચમાં આ જાળમાં ફસાયા હતા અને 19 નવેમ્બરના રોજ બપોરે વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને અમદાવાદ આવી પહોંચ્યા હોવાની જાણ કરી હતી.
ફરિયાદીએ તાત્કાલિક ઘાટલોડિયા પોલીસને જાણ કરતા પીએસઆઈ એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા નજીક છટકું ગોઠવ્યું હતું. જેવા બંને આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા કે તરત જ પોલીસે ચારે તરફથી ઘેરીને દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્માને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે પકડાયેલા બંને શખસો માત્ર કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા. માલચંદના નોઈડા ખાતે રહેતા ભાઈ ગજાનંદ શર્માએ તેમનો સંપર્ક ’ધનરાજ’ નામના શખસ સાથે કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે ’વરુણ’ નામના વ્યક્તિએ આ બંનેને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંનેને રૂૂપિયા 5-5 હજારનું કમિશન અને રેલવે ભાડું આપવાનું નક્કી થયું હતું. હાલ પોલીસે ફરાર થયેલા ગજાનંદ, ધનરાજ અને વરુણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
