શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમાં રહેતા અને ધો.6માં અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રને જનેતાએ ખોટી સંગત છોડી દેવા ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગતા પુત્રએ ગળેફાંસો ખાઇ જિંદગી જ છોડી દીધી હતી. તરુણના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા રૈયા ગામ વિસ્તારમાં સ્મશાન પાસે રહેતા અમન અકબરભાઈ શેખ નામનો 13 વર્ષનો તરુણ પોતાના ઘરે હતો. ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. તરુણને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી તરુણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમન શેખ બે ભાઈમાં મોટો હતો અને ધો.6માં અભ્યાસ કરતો હતો અમન શેખને તેની માતાએ ખોટી સંગત છોડી દેવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી જીદી સ્વભાવ ધરાવતા અમન શેખે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.