કોટડા સાંગાણી સોલિયા ગામે શ્રમિક પરિવારનો સાડા ત્રણ વર્ષનો બાળક લાકડાના ઘોડામાં ટીંગાતા પાટીયુ માથે પડ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના સોલિયા ગામે ખેત મજૂર અર્થે આવેલા શ્રમિક પરિવારનો દુર્ગેશ ઠાકુરભાઈ સંગોડ નામનો સાડા ત્રણ વર્ષનો માસુમ બાળક પાંચ દિવસ પૂર્વે સાંજના છએક વાગ્યાના અરસામાં અનિલભાઈની વાડીએ હતો ત્યારે અકસ્માતે પાટીયું માથે પડતા ઇજા પહોંચી હતી. માસુમ બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં માસુમ બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દુર્ગેશ સંગોડ મુળ દાહોદનો વતની હતો અને એક ભાઈ એક બહેનમાં નાનો હતો. દુર્ગેશ સંગોડ વાડીએ રાખેલા લાકડાના ઘોડામાં ટીંગાયો હતો તે દરમિયાન ઘોડામાંથી પાટિયું માથે પડતા ઇજા પહોંચતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
