પાણીપુરીના વેપારીનો મોબાઇલ ચોરી કારીગર બેંક ખાતામાંથી રૂપિયા 5.56 લાખ ઉપાડી ગયો

શહેરના રામાપીર ચોકડી પાસે રહેતા અને પાણીપુરીનો વ્યવસાય કરતા એક વેપારી સાથે તેમના જ નવા કારીગરે વિશ્વાસઘાત કરી મોટી રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે…

શહેરના રામાપીર ચોકડી પાસે રહેતા અને પાણીપુરીનો વ્યવસાય કરતા એક વેપારી સાથે તેમના જ નવા કારીગરે વિશ્વાસઘાત કરી મોટી રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટના શાસ્ત્રીનગર શેરી નં. 7માં રહેતા 50 વર્ષીય મનોજ સંતોષીલાલ બાથમનો મોબાઈલ ફોન ચોરી કરીને આરોપીએ તેમના બેંક ખાતામાંથી કુલ ₹5,56,845 ઉપાડી લીધા છે.

ફરિયાદની વિગતો મુજબ, મનોજભાઈ છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં પાણીપુરીનો ધંધો કરે છે અને તેમની સાથે અન્ય સાત માણસો પગાર પર કામ કરે છે. અગાઉ મુંબઈમાં તેમની સાથે કામ કરી ચૂકેલા આકાશ નામના યુવકે ફોન કરીને કામની વાત કરતા, ગત તા. 12/10ના રોજ આકાશ અને તેનો મિત્ર પુનિત (રહે. ન્યુ દિલ્હી) રાજકોટ કામ પર આવ્યા હતા. જોકે, તા. 14/10ના રોજ બપોરે આકાશ કોઈને જાણ કર્યા વગર કામ છોડીને જતો રહ્યો હતો.તે જ દિવસે રાત્રે મનોજભાઈ પોતાનો ₹16,000ની કિંમતનો વીવો મોબાઈલ ફોન બાજુમાં રાખીને સૂઈ ગયા હતા. વહેલી સવારે જાગીને જોતા ફોન ગાયબ હતો અને સાથે રહેતો પુનિત પણ ત્યાં હાજર ન હતો.અન્ય કારીગરોની પૂછપરછમાં જાણવા મળ્યું કે પુનિત તા. 15/10ના રોજ રાત્રે આશરે 2 વાગ્યે નીકળી ગયો હતો.

બે દિવસ બાદ, તા. 17/10ના રોજ આકાશે ફોન કરીને મનોજભાઈને જાણ કરી હતી કે તેમનો ફોન પુનિત પાસે છે અને તે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યો છે. મનોજભાઈએ તાત્કાલિક બેંક ઓફ બરોડામાં તપાસ કરાવતા જાણવા મળ્યું કે 15 થી 17 ઓક્ટોબર દરમિયાન પુનિતે અલગ-અલગ જગ્યાએથી કુલ ₹5,56,845 ઉપાડી લીધા હતા. તેમણે તુરંત 1930 પર કોલ કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા હતા. સાયબર ક્રાઈમની સૂચના બાદ મનોજભાઈએ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *