રાજકોટ ઉપર આ વર્ષે મેઘરાજા નારાજ રહ્યા હતા. ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો હતો. એવા સમયે જ નર્મદા મૈયા તારણહાર બનીને આવ્યા છે. શહેરની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી-1 અને ન્યારી-1માં હાલ નર્મદા નીર ઠલવાઇ રહ્યા છે. આ બન્ને ડેમ 70 ટકા ભરાય જાય પછી ભાદર-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાની આવક ચાલુ કરવામા આવશે તેમ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
દીવાળી પહેલાની સ્થિતિએશહેરી તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યાર 1 ડેમમાં ડેડ વોટર બાદ કરતા 10 નવેમ્બર સુધી ચાલે તેટલુ જ પાણી હતુ. આખુ વર્ષ નર્મદા મૈયાના સહારે જીવવાનું છે એ નક્કી જ છે. આગોતરા આયોજન માટે મહાનગરપાલિકાએ સરકાર પાસે વર્ષ આખુ ચાલુ તેટલા 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માગણી કરી છે. સારા સમાચાર એ છે કે, સરકારે વર્ષ દરમિયાન 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીર આપવાની ખાતરી આપી છે. સરકાર અને રાજકોટ મનપા વચ્ચે તેનુ સતાવાર એમ.ઓ.યુ. થશે. આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 મળી કુલ ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર પાણી ઠલવવાની માગણી સરકાર પાસે કરવામા આવી છે.
રાજકોટ માટે દર વર્ષે ફેબ્રુઆરી અને જૂન માસમાં રાજ્ય સરકાર પાસેથી નર્મદાનીર માંગવા પડે છે. પરંતુ આ વર્ષે ચોમાસુ પુરુ થતા જ શહેર નર્મદા મૈયાના ભરોસે આવી ગયુ છે. મહાનગરપાલિકા પાસે આજી ન્યારી અને મહદ અંશે ભાદર-1 સિવાય બીજા કોઇ જળસ્ત્રોત નથી. હાલ આજી અને ન્યારી ડેમમાં નર્મદાની આવક ચાલુ છે. આ બન્ને ડેમ 70 ટકા ભરાય જાય પછી તેની સાથોસાથ ભાદર-1 ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠલવાશે. જરૂૂરિયાત મુજબ ભાદર-1 ડેમમાં તબક્કાવાર રીતે નર્મદાના નીર નાખવામા આવશે.
આજી-ન્યારીમાં દીવાળી બાદ દોઢ મહિનાનુ પાણી ઠલવાયુ
દીવાળીના તહેવાર શરૂૂ થતા જ આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાની આવક ચાલુ કરી દેવામા આવી હતી. અત્યાર સુધીમાં આજીમાં 20 એમસીએફટીથી વધુ અને ન્યારી 1માં 18 એમસીએફટીથી વધુ પાણી ઠલવાઇ ચુક્યુ છે. દીવાળી પછી શહેરને દોઢ મહિના ચાલે તેટલુ નર્મદા નીર આ બન્ને જળાશયોમાં ઠલવાઇ ચુક્યુ છે.
