GSTની કલમ-130ની નોટિસનો 7 વર્ષે નિકાલ ન થતાં રદ

રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગની ગંભીર બેદરકારી તાજેતરમાં સામે આવેલ છે. જીએસટી કાયદાની કલમ-130 હેઠળ માલ-વાહન જપ્ત કરવાની નોટીસ આપી 07 વર્ષથી વધુ સમયગાળો પસાર થઈ…

રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગની ગંભીર બેદરકારી તાજેતરમાં સામે આવેલ છે. જીએસટી કાયદાની કલમ-130 હેઠળ માલ-વાહન જપ્ત કરવાની નોટીસ આપી 07 વર્ષથી વધુ સમયગાળો પસાર થઈ ગયેલ હોવા છતાં સુરતના સ્ટેટ ટેક્ષ ઓફિસર દ્વારા કોઈપણ હુકમ પસાર ન કરાતા ગુજરાત હાઈકોર્ટે ઉક્ત અક્ષમ્ય વિલંબની ગંભીર નોંધ લઇ કલમ-130ની નોટીસ રદ્ બાતલ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે શ્રી રામ ટ્વિસ્ટેક્સ પ્રા.લી.-ગોંડલ કે જેઓ કોટન યાર્નનું ઉત્પાદન કરતા હોય તેઓ દ્રારા તા.26/08/2019 ના રોજ સુરતની આર એન્ડ બી ડેનીમ લી. ને રૂૂ.14, 20, 725/-નો કોટન યાર્ન વેચાણ કરવામાં આવેલ. ઉપરોક્ત માલ જયારે વહનમાં હતો ત્યારે માલ સાથે ટેક્સ ઇન્વોઇસ અને ટ્રાન્સપોર્ટ રીસીપ્ટ બન્ને સામેલ હતા, પરંતુ શરતચૂકથી ઈ-વે બીલ બનાવવાનું રહી ગયેલ હોય, સુરતના સ્ટેટ ટેક્ષ ઓફિસર દ્રારા તા.27/08/2019 ના રોજ કામરેજ ટોલ પ્લાઝા પાસે ઉપરોક્ત માલ જે વાહનમાં હતો તેને રોકવામાં આવેલ. માલ-વાહનના ઇન્સ્પેકશન દરમ્યાન ઈ-વે બીલ ન હોવાનું અધિકારીને ધ્યાને આવેલ, જેથી માલ-વાહન જપ્ત કરી જીએસટી કાયદાની કલમ-129 હેઠળ કાર્યવાહી કરવાને બદલે વેપારીનો કરચોરીનો ઈરાદો છે તેવું માની સીધી જ કલમ-130 હેઠળ કાર્યવાહી કરવા માટે નોટીસ આપવામાં આવેલ અને માલ-વાહન મુક્ત કરવા મોટી રકમનું માંગણું ઉપસ્થિત કેમ ન કરવું તે માટે ઉક્ત કારણદર્શક નોટીસ આપવામાં આવેલ.

ઉપરોક્ત કલમ-130 ની નોટીસ સામે વેપારી દ્રારા ગુજરાત હાઇકોર્ટમાં તાત્કાલિક ધોરણે રીટ-પીટીશન દાખલ કરવામાં આવેલ. ગુજરાત હાઇકોર્ટ દ્રારા તા. 30/08/2019 ના રોજ વચગાળાનો હુકમ કરી માલ-વાહન મુક્ત કરવાનો આદેશ કરવામાં આવેલ. વધુમાં ગુજરાત હાઇકોર્ટ દ્રારા તે જ હુકમમાં અધિકારીને કલમ-130 હેઠળ કાર્યવાહી કરવાની છુટ પણ આપવામાં આવેલ પરંતુ તેનો નિર્ણય ઉપરોક્ત રીટ પીટીશનમાં જે આખરી નિર્ણય થાય તેને આધીન રહેશે તેવું જણાવવામાં આવેલ. આમ સ્ટેટ ટેક્ષ ઓફિસરને કલમ-130 હેઠળ ઓર્ડર કરવાની છૂટ આપવામાં આવેલ હોવા છતાં અને સાત વર્ષથી વધુ સમયગાળો પસાર થઈ ગયેલ હોવા છતાં, અધિકારી દ્વારા કોઈ પણ હુકમ પસાર કરવામાં આવેલ નહી.

ઉપરોક્ત રીટ-પીટીશનની તાજેતરમાં આખરી સુનવણી થતા વેપારીના વકીલ અપૂર્વ એન. મહેતા દ્રારા રજૂઆત કરવામાં આવેલ કે સાત વર્ષથી વધુ સમયગાળો પસાર થઇ ગયેલ હોવા છતાં કલમ-130 હેઠળ કોઈ હુકમ જીએસટી વિભાગ દ્વારા પસાર કરવામાં આવેલ નથી. વધુમાં પ્રસ્તુત કેસમાં ચોરીનો કોઈ ઈરાદો ન હોય જેથી કલમ-130ની નોટીસ રદ્ બાતલ કરવી જોઈએ અને કલમ-129 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. સામે પક્ષે સરકાર દ્રારા કલમ-130ની નોટીસનો બચાવ કરવામાં આવેલ, પરંતુ અધિકારી દ્વારા થયેલ અક્ષમ્ય વિલંબ બાબતે યોગ્ય સ્પષ્ટતા કરી શકેલ નહી.

બન્ને પક્ષોની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્રારા કેસના મેરીટ પર ન જતા અને ફક્ત સાત વર્ષથી વધુ સમયગાળો પસાર થઇ ગયેલ હોવા છતા અને અધિકારીને ઓર્ડર કરવાની લીબર્ટી આપેલ હોવા છતાં કલમ-130 હેઠળ ઓર્ડર કરેલ નથી ફક્ત તે જ કારણોસર ઉક્ત નોટીસ રદ્દ બાતલ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *