મોરબીમાં રહેતો યુવાન માળીયાથી પોતાની કાર લઇ ઘરે પરતો ફરતો હતો ત્યારે ટીંબડી નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા કાર ચાલક યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં લકધીરવાસ ચોકમાં રહેતા યોગરાજસિંહ ખોડૂભા વાઘેલા (ઉ.વ.40) માળીયાથી પોતાની કાર લઇ મોરબી આવતો હતો ત્યારે ટીંબડી ગામના પાટીયા પાસે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. જે અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યુ હતું. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં બાબરાના વાવડી ગામે રહેતા નાનજીભાઇ ગગજીભાઇ મકવાણા (ઉ.વ.70) પોતાનુ બાઇક લઇ ગોખલાણા ગામે આંટો મારી પરત ફરી રહ્યા હતા ત્યારે વાવડી ગામ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
