જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમામાં માનવતાની સરવાણી વહેતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બોરદેવી ગેટથી આશરે 500 મીટર દૂર એક મહિલા પડી જતાં તેમના જમણા પગમાં ઈજા થઈ હતી.
પગમાં ચોટના કારણે તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી 108 એમ્બ્યુલન્સને ભારે ટ્રાફિકના કારણે ઘટનાસ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. આવી સ્થિતિમાં પરિક્રમામાં ફરજ બજાવતા ટ્રેસરો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને મહિલાને 500 મીટર સુધી ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યાં હતાં.
ઈજાગ્રસ્ત મહિલાની ઓળખ ઉષાબેન વાસુદેવભાઈ પટેલ (રહે. નાની કડી, તા. કડી, જી. મહેસાણા) તરીકે થઈ છે. ટ્રેસરોની સમયસૂચકતા અને સેવાભાવનાથી મુશ્કેલીમાં મુકાયેલાં મહિલાને સમયસર મદદ મળી હતી. પરિક્રમાની ભીડ વચ્ચે ટ્રેસરોની આ માનવતાભરી કામગીરી સરાહનીય બની છે.
