રાજકોટના 23 માર્ગ ‘હોકર્સ ફ્રી’ જાહેર, રેંકડી-કેબિન-દબાણ કાયમ માટે જપ્ત

રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી વાહનોની સંખ્યા અને મુખ્ય માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા અત્યંત વકરી રહી છે. આ ગંભીર સમસ્યાને હળવી…

રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલી વાહનોની સંખ્યા અને મુખ્ય માર્ગો પર થતા ગેરકાયદેસર દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા અત્યંત વકરી રહી છે. આ ગંભીર સમસ્યાને હળવી કરવા અને શહેરીજનોને સુગમ વાહનવ્યવહાર પૂરો પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા એક કડક નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. આ નવી નીતિ અંતર્ગત શહેરના 23 જેટલા મુખ્ય માર્ગો પરના દબાણોનો કાયમી ધોરણે ખાત્મો બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂૂપે આ તમામ 23 મુખ્ય માર્ગોને સત્તાવાર રીતે ’હોકર્સ ફ્રી’ એટલે કે દબાણમુક્ત ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હોકર્સ ફ્રી માર્ગો પરથી રેકડી-કેબીન કે અન્ય કોઇ દબાણ જપ્ત થશે તો આજીવન છોડવામા નહીં આવે.

મહાનગરપાલિકા દ્વારા આ 23 પ્રતિબંધિત મુખ્ય માર્ગોની સત્તાવાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. નવી પોલીસીના નિયમો મુજબ, હવેથી આ જાહેર કરાયેલા 23 માર્ગો પર કોઈપણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ કરીને રસ્તા પર ઉભી રહેતી રેકડીઓ, કેબિનો, પાથરણાવાળાઓનો સામાન તેમજ દુકાનદારો, કોમ્પ્લેક્સના સંચાલકો કે અન્ય વેપારીઓ દ્વારા ફૂટપાથ કે જાહેર રસ્તા પર મૂકવામાં આવતા સાઇન બોર્ડ, જાહેરાતના હોર્ડિંગ્સ કે અન્ય કોઈપણ પ્રકારનો માલ-સામાન જો તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવશે, તો તે કાયમ માટે છોડવામાં આવશે નહીં. અત્યાર સુધી દંડ વસૂલીને માલ-સામાન પરત આપવાની પ્રથા હતી, પરંતુ હવે કડક વલણ અપનાવીને જપ્ત થયેલો સામાન કાયમી ધોરણે જપ્ત જ રાખવાનો કડક નિર્ણય લેવાયો છે.
આ 23 મુખ્ય માર્ગોને ખરા અર્થમાં દબાણમુક્ત અને ’હોકર્સ ફ્રી’ રાખવા માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ માત્ર એક-બે દિવસ પૂરતી સીમિત ન રહે તે માટે મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા, વિજીલન્સ વિભાગ તેમજ રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે આ તમામ માર્ગો પર સતત ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવશે.

નોંધનીય છે કે, જનરલ બોર્ડ ઠરાવ નં20, તા19/09/2026થી હોકર્સને લગત એક સર્વગ્રાહી પોલીસી મંજુર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત શહેરમાં કુલ 23 માર્ગોને હોકર્સ-ફ્રી માર્ગો તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ માર્ગો ઉપર ટ્રાફિકની સરળતા, રાહદારીઓની સલામતી તથા જાહેર સુવિધા જળવાઈ રહે તે હેતુથી કોઈપણ પ્રકારની રેકડી/કેબીન, પાથરણું, હંગામી સ્ટોલ, ફેરી કે અન્ય કોઈપણ પ્રકારની અનધિકૃત ધંધાકીય પ્રવૃત્તિ કરવાની સખત મનાઈ છે. આથી તમામ રેકડી ધારકો તથા ફેરીયાઓને સૂચના આપવામાં આવે છે કે, 23 માર્ગો ઉપર કોઈપણ પ્રકારના રેકડી/કેબીન કે અન્ય કોઇ પણ પ્રકારના અસ્થાયી દબાણ કરવા નહિ. જો કોઈ વ્યક્તિ દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં રેકડી/કેબીન કે અન્ય કોઇપણ પ્રકારનું અસ્થાયી દબાણ કરવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા તેવા આસામીઓના રેકડી/કેબીન/સામાન કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે.

આટલા માર્ગ પરથી જપ્ત થયેલી વસ્તુઓ ક્યારેય છોડાશે નહી
યુનિવર્સિટી રોડ(કોટેચા ચોક થી યુનિવર્સિટી ગેઇટ સુધી)
રૈયા રોડ(કિશાનપરા ચોક થી સાધુ વાસવાણી રોડ સુધી)
નાના મવા મેઈન રોડ(લક્ષ્મીનગર નાલા થી મોકાજી સર્કલ સુધી)
પુષ્કરધામ મેઈન રોડ(યુનિવર્સિટી રોડ થી કાલાવડ રોડ સુધી)
નાણાવટી ચોકથી મીરાનગર મેઈન રોડ
સાધુ વાસવાણી રોડ(યુનિવર્સિટી રોડ થી રૈયા રોડ સુધી)
સોનીબજાર રોડ
ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ
પરાબજાર રોડ
કેનાલ રોડ(લોધાવાડ ચોક થી જિલ્લા ગાર્ડન સુધી)
ડો.યાજ્ઞિક રોડ(ત્રિકોણબાગ થી જિલ્લા પંચાયત ચોક સુધી)
જંકશન સ્ટેશનવાળો રોડ (હોસ્પિટલ ચોક બ્રિજ થી પોપટપરા નાલા સુધી)
ગુંદાવાડી મેઈન રોડ
ઢેબરભાઇ રોડ(ત્રિકોણ બાગ થી પી.ડી.એમ ફાટક સુધી)
કસ્તુરબા રોડ(જ્યુબીલી થી બહુમાળી ભવન ચોક સુધી)
કુવાડવા રોડ(હોસ્પીટલ ચોક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી)
પેડક રોડ(ભાવનગર રોડ થી પેડોક સુધી)
સંત કબીર રોડ(ભાવનગર રોડ થી માર્કેટીંગ યાર્ડ સુધી)
કોઠારીયા રોડ(માનવ આશ્રમ થી રણુજા મંદિર સુધી)
આડો પેડક રોડ(ગોધેશ્વર મંદિર થી સંત કબીર નાલા સુધી)
કોઠારીયા સોલ્વંટ રોડ(માલધારી ફાટક થી દરગાહ સુધી)
અમીન માર્ગ(રેલ્વે ટ્રેક થી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રોડ સુધી)
અક્ષર માર્ગ(કાલાવડ રોડ થી નાના મવા રોડ સુધી) વેસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *