પેરૂના દરિયાકાંઠે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો અસામાન્ય વધારો: 1877નો રેકોર્ડ તૂટશે
પેસિફિક મહાસાગરના અમુક ભાગોમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં અભૂતપૂર્વ વધારો નોંધાતા વૈશ્વિક હવામાન નિષ્ણાતોએ ’સુપર અલ નીનો’ને અપગ્રેડ કરીને હવે ’મેગા અલ નીનો’ જાહેર કર્યું છે. આ ગંભીર હવામાન ઘટનાને કારણે સમગ્ર વિશ્વમાં તેની વિનાશક અસરો વધુ તીવ્ર બનવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી રાયન માઉએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર જાહેરાત કરી હતી કે ગાલાપાગોસ નજીક અને પેરૂૂના દરિયાકાંઠે સમુદ્રની સપાટીના તાપમાનમાં સરેરાશ કરતાં +10 ડિગ્રી સેલ્સિયસ (18 ડિગ્રી ફેરનહીટ) નો અસામાન્ય વધારો નોંધાયો છે, જે હવે ’મેગા અલ નીનો’ બની ગયું છે. તેમણે શેર કરેલા નકશામાં દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાથી મધ્ય પેસિફિક મહાસાગર તરફ ફેલાયેલો અત્યંત ગરમ પાણીનો પટ્ટો દર્શાવવામાં આવ્યો છે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના ડેટા આધારિત આ નકશામાં સરેરાશ કરતાં વધુ ગરમ વિસ્તારો લાલ અને સફેદ રંગમાં તથા ઠંડા પાણીના વિસ્તારો વાદળી રંગમાં દર્શાવાયા છે. જોકે, આ 18 ડિગ્રી ફેરનહીટનો વધારો એક મર્યાદિત પ્રાદેશિક વિસ્તાર પૂરતો હતો, જ્યારે મધ્ય પેસિફિકના મોટા વિસ્તારમાં તાપમાન સરેરાશ કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ (5.4 ડિગ્રી ફેરનહીટ) થી 4 ડિગ્રી સેલ્સિયસ (7.2 ડિગ્રી ફેરનહીટ) વધુ નોંધાયું છે. આમ છતાં, આ આંકડાઓ સંપૂર્ણપણે અભૂતપૂર્વ માનવામાં આવે છે.
વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર, નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે નવેમ્બર અને જાન્યુઆરી મહિનાની વચ્ચે તાપમાન સામાન્ય અલ નીનો કરતાં છ ગણાથી પણ વધુ વધી શકે છે. આ સ્થિતિ હવામાનની પેટર્નની અસરોને વધુ ભયાનક બનાવી શકે છે, જેમાં ઈન્ડોનેશિયામાં જંગલોમાં લાગતી આગ (દાવાનળ), ભારતમાં મહત્વપૂર્ણ ચોમાસાના વરસાદની ગેરહાજરી અને જળચર આહાર શૃંખલા (એક્વેટિક ફૂડ વેબ્સ) ખોરવાઈ જવા જેવી ગંભીર બાબતોનો સમાવેશ થાય છે.
ક્લાઈમેટ સાયન્ટિસ્ટ શ્રીમતી રેબેકા જોન્સે ’ડ’ પર ચેતવણી આપતા કહ્યું હતું કે આ અલ નીનો કેટલું સંભવિત રીતે વિનાશક સાબિત થશે તેના પર પૂરતો ભાર મૂકવો મુશ્કેલ છે. તેમના મતે આ હવામાન અસમાનતા 1877ની અલ નીનો ઘટના દરમિયાન નોંધાયેલા 3.5 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડને તોડી શકે છે, જે તે સમયે વૈશ્વિક વસ્તીના 3 થી 4 ટકા એટલે કે 5 કરોડ લોકોના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવી હતી. વર્તમાન ઘટના વિશ્વના નાગરિકોને કેવી રીતે અસર કરશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ’ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબ’ના એક ચિંતાજનક નકશામાં અંદાજ લગાવાયો છે કે અલ નીનોને કારણે જૂન 2026 થી એપ્રિલ 2027 દરમિયાન ગરમી સંબંધિત 9,20,000 વધારાના મૃત્યુ થઈ શકે છે, જે એક મહિના અગાઉના અંદાજ કરતાં 60,000 થી વધુ છે.
