રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં નવાગામ દિવેલીયાપરામાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો યુવાન રૂડા ટ્રાન્સપોર્ટનગરમાંથી કુરીયરની ગાડી લઇ ઓફિસ ખાતે મુકી પરત ફરી રહ્યો હતો ત્યારે આજીડેમ ચોકડી નજીક આઇસર અડફેટે બાઇક ચડી જતાં બાઇક ચાલક કોલેજીયન યુવકનું મોત નીપજ્યુ હતું. જ્યારે બાઇક સવાર મિત્ર અને આઇસર ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં નવાગામ દિવેલીયાપરામાં રહેતા મેહુલ વિઠ્ઠલભાઇ સીંધવ (ઉ.વ.19) અને તેનો મિત્ર મોહિત નારણભાઇ જોગરાણા (ઉ.વ.19) પોતાનુ બાઇક લઇ ગોંડલ ચોકડીથી દિવેલીયાપરા તરફ જઇ રહ્યા હતા ત્યારે આજીડેમ ચોકડી પાસે આઇસર અડફેટે બાઇક ચડી જતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા મેહુલ સીંધવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે મોહિત જોગરાણા અને આઇસર ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મૃતક મેહુલ સીંધવ બે ભાઇ બે બહેનમાં વચેટ અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથોસાથ ડ્રાઇવિંગ કામ પણ કરતો હતો. રૂડા ટ્રાન્સપોર્ટનગરમાંથી કુરીયરની ગાડી લઇ ગોંડલ ચોકડી ખાતે આવેલી ઓફિસ ખાતે મુકવા ગયો હતો. જ્યાથી મિત્ર સાથે બાઇક લઇ પરત ફરતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
