શિયાળાની ઋતુને વર્ષભરની તંદુરસ્તી બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ખાસ કરીને કોરોના કાળ બાદ લોકોમાં પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતતા આવી છે. હવે લોકો માત્ર પૌષ્ટિક આહાર પૂરતા સીમિત ન રહેતા, શરીરને સુદ્રઢ અને મજબૂત બનાવવા માટે જીમ તરફ પણ વળ્યા છે. આર્થિક રીતે સદ્ધર અને સુખી-સંપન્ન વર્ગના લોકો તો મોંઘાદાટ ખાનગી જીમમાં જઈને પોતાનો ફિટનેસ શોખ પૂરો કરી શકે છે, પરંતુ શહેરના મધ્યમ અને સામાન્ય વર્ગના એવા લોકો કે જેમને કસરત કરીને શરીર તંદુરસ્ત રાખવું છે, પરંતુ ખાનગી જીમની તોતિંગ ફી પોસાય તેમ નથી, તેમના માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જીમની સુવિધા સાચા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. શિયાળો શરૂૂ થતાની સાથે જ મનપાના જીમ તરફ પ્રવાહ વધ્યો છે. રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ અને શેઠ હાઇસ્કુલમાં કાર્યરત મનપાના જીમની તમામ બેચ હાઉસફૂલ થઇ ગઇ છે. તો અન્ય જીમમાં પણ સભ્યોની સંખ્યા વધી છે.
વર્ષો પહેલા શહેરમાં એકમાત્ર રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જ મહાનગરપાલિકાનું જીમ કાર્યરત હતું. પરંતુ શહેરીજનોની વધતી જતી માંગ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તબક્કાવાર શહેરના ત્રણેય ઝોનમાં નવા જીમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે હવે દરેક વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ કસરતની ઉત્તમ સુવિધા મળી રહી છે.
હાલમાં શિયાળાએ મોસમ પકડતા જ મનપાના જીમમાં નવા સભ્યોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે શહેરના હાર્દસમા ગણાતા રેસકોર્સ જીમ અને શેઠ હાઇસ્કૂલ ખાતે કાર્યરત મનપાના જીમની તમામ બેંચ સંપૂર્ણપણે ફૂલ થઈ ગઈ છે. સવારથી જ અહીં કસરત કરવા માટે યુવાનોથી લઈને વડીલો સુધીના લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત શહેરના અન્ય ઝોનમાં આવેલા મનપાના જીમમાં પણ સભ્યોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને વેઇટિંગ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ક્યા જીમમાં કેટલા સભ્યો
* રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે 6થી 10 અને સાંજે 5 થી 9 દરમિયાન એક-એક કલાકની કુલ 8 બેચમાં મહતમ સંખ્યા 800ની સામે હાલ 642 સભ્યો આવે છે. જેમા સવારે 6 થી 10ની તમામ બેંચ હાઉસફૂલ થઇ છે. સાજ઼ે 7 થી 8ની બેંચ પણ પેક થઇ ગઇ છે.
* શેઠ હાઇસ્કુલમાં આવેલા જીમમાં પણ આ જ રીતે સવારે સવારે 6થી 10 અને સાંજે 5 થી 9 દરમિયાન એક-એક કલાકની કુલ 8 બેચમાં મહતમ સંખ્યા 800ની છે. જેની સામે સવારે 6થી 8ની બેંચ પેક થઇ ચુકી છે.
* હૈદરી ચોક ખાતેના જીમમાં પણ સવારે 6 થથી 10 અને સાંજે 5 થી 9ની કુલ 8 બેચ છે. તેમા પણ ક્રમશ: સંખ્યા વધતી જાય છે.
ઠંડીમાં પણ સવારે 6થી 8માં સ્વિમિંગ પુલમાં ધુબાકા
શિયાળો હજુ જોઇએ તેવો જામ્યો નથી. જો કે સવારે અને રાત્રે ગરમ કપડા પહેરવા પડે તેવી શિત લહેર જરૂૂર ફૂંકાય છે. આવી ઠંડીમાં પણ સ્વીમીંગના શોખિન હેલ્થ કોન્સીયન્સ તરવૈયાઓની કમી નથી. રેસકોર્સ અને કાલાવડ રોડ સ્વીમીંગ પુલમાં સવારની બેચમાં અનુભવી તરવૈયાઓ બારેમાસ આવે છે. આ બન્ને સ્વીમીંગ પુલમાં સવારે 6 થી 8માં 2000થી વધુ તરવૈયાઓ આવતા હોવાનું રજીસ્ટર રેકોડ પરથી જાણવા મળ્યુ છે.
યુવતી-મહિલાઓમાં જીમનો ક્રેઝ
નાના મવા સર્કલ પાસે આવેલા મલ્ટી એક્ટિવિટી સેન્ટરમાં ખાસ મહિલાઓ માટેના જીમમાં સવારે 6થી 10 અને સાંજે 5 થી 9ની બેંચ છે. સવારે 6થી 7ની બેંચ પેક થઇ ચુકી છે. અન્ય બેંચમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સંખ્યા વધવા લાગી છે.
