રાજકોટ જિલ્લાની સૌથી મોટી અને મહત્વની ગણાતી 14 વોર્ડ ધરાવતી યાત્રાધામ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદીમાં મોટા પાયે છબરડા બહાર આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 3, 7, 8, 9 અને 11 માં ગંભીર ગડબડ-ગોટાળા અને ક્ષતિઓ સામે આવી છે. આ પ્રકારના છબરડા ફક્ત વીરપુરમાં જ થયા છે કે અન્ય તાલુકા અને તાલુકાની અન્ય ગ્રામપંચાયતોમાં પણ આવી જ ગડબડ થઈ છે, તેને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
જેતપુર ગ્રામ્ય મામલતદાર, ગોંડલ પ્રાંત અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની સહી સાથે પ્રસિદ્ધ થયેલા ’પરિશિષ્ટ (ફેર ફાળવણી-2026)’ના સત્તાવાર લિસ્ટ મુજબ વોર્ડ નંબર 3માં હરિજનવાસ, ચિત્રકૂટ પાર્ક અને લોહાણા સોસાયટી, વોર્ડ 7 અને 8માં જલારામ નગર તથા રાધાકૃષ્ણ સોસાયટી, જ્યારે વોર્ડ 11માં દેવીપૂજક વાસ, મોરબીયા શેરી અને મીનળવાવ વિસ્તાર દર્શાવાયો છે અને મંદિર પાછળનો વિસ્તાર વોર્ડ 12માં સમાવિષ્ટ છે. પરંતુ પ્રાથમિક મતદાર યાદીમાં આ પરિશિષ્ટથી તદ્દન વિપરીત વોર્ડ 11ની મોરબીયા શેરી અને મીનળવાવ ચોકના મતદારોને બારોબાર વોર્ડ નંબર 12 અને 13માં ખસેડી દેવાયા છે.
આ ગંભીર ક્ષતિ અંગે જેતપુર ગ્રામ્ય મામલતદાર આશિષ બાખલખિયાનો સંપર્ક કરાતા તેમણે તલાટી પર દોષનો ટોપલો ઢોળતા જણાવ્યું કે તલાટી તરફથી અપાયેલી વિગતો મુજબ યાદી બની છે અને હવે તલાટીને બોલાવી સુધારાની નોંધ કરાવી લેવાશે. બીજી તરફ, તલાટી મંત્રી પ્રશાંત ટાંકે પણ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી જણાવ્યું કે તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને આ કામગીરી મૂળ કર્મચારી અક્ષયભાઈ રાઠોડની હતી, પરંતુ તેમના પરિવારમાં બીમારી હોવાથી ટીડીઓની સૂચનાથી તેમણે યાદી તૈયાર કરી હતી. તલાટીએ આ ગંભીર છબરડાને સામાન્ય ભૂલ ગણાવી તાત્કાલિક સુધારી લેવાની વાત કરી હતી.
સમગ્ર મામલે જ્યારે વીરપુરના આગેવાનોએ અને જાગૃત નાગરિકો દ્વારા તંત્રનો સંપર્ક કરી જવાબ માંગવામાં આવ્યો, ત્યારે જવાબદાર અધિકારીઓ ગોળ-ગોળ જવાબો આપી ગેંગે-ફેંફે થતા જોવા મળ્યા હતા અને દોડાદોડી કરીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરતા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. બીજી તરફ, આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ આગામી દિવસોમાં કેટલાય જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના તપેલા ચડી જશે તેવી પણ જોરશોરથી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.
