જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતી જીઆઈડીસી-2 વિસ્તારના એક પ્લાસ્ટિકના કારખાનામાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના પઈગા ગામના વતની એવા રંજીતકુમાર દિનેશભાઈ સાહુ પોતાની મીની બોલેરો ટ્રક ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેમની જ સગી ત્રણ વર્ષની માસૂમ દીકરી નંદીનીને કચડી નાખતા મોત નિપજયું હતું.
આ દુર્ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મીની બોલેરો ટ્રકમાં કચરો ભરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ટ્રક આગળ વધતા રમતી બાળકી તેના ટાયર નીચે આવી જાય છે. આ ગંભીર અકસ્માતમાં માસૂમ દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રણજીત સાહુની નાની દીકરી રમતા-રમતા ગાડીની આસપાસ ગઈ હતી અને પિતા ગાડી આગળ વધારી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ, શોકાતુર પિતા રણજીત કુમારે જણાવ્યું હતું કે તેઓ ગાડી ભરીને આગળ વધારી રહ્યા હતા ત્યારે અજાણતાં જ તેમની દીકરી તેની નીચે આવી ગઈ હતી.
