જામજોધપુરના નરમાણા ગામે 14 વર્ષની છાત્રાનો આપઘાત

જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થિની આસ્થાબેન ખોડાભાઈ ખરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી જંતુનાશક દવા પી લેતાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ…

જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થિની આસ્થાબેન ખોડાભાઈ ખરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી જંતુનાશક દવા પી લેતાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. નરમાણા ગામમાં રહેતી આસ્થાબેન ખોડાભાઈ ખરા (ઉ.વ. 14)એ પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ બનાવ અંગે તેણીના પિતા ખોડાભાઈ માણસુરભાઈ ખરાએ શેઠવડાળા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

બીમારીથી કંટાળી જીવ ટૂંકાવ્યો
જામનગરના આઈએનએસ વાલસુરા વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં રહેતી 42 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાવની વિગત મુજબ મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાના રામગઢ ગામના વતની અને છેલ્લા 20 વર્ષથી જામનગર આઈએનએસ વાલસુરામાં સરકારી નોકરી કરતા પવનકુમાર દહીયા તેમના પરિવાર સાથે સિવિલિયન બે માળીયા ક્વાર્ટર નંબર ઈ-456માં રહે છે. તેમના પત્ની ચેતનાબેન (ઉ.વ. 42)ને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ ચેતનાબેન છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની દવા પણ ચાલુ હતી. આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના સરકારી ક્વાર્ટરની છત પાસે સીડીની સ્ટીલની ગ્રીલમાં પ્લાસ્ટિકના રબરના વાયર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

બનાવની જાણ થતાં 108ની ટીમ દોડી ગઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરી એ.એસ.આઈ. એફ.જી. દલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *