ઉપલેટા શહેરમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે મધ્યરાત્રિએ સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. ઉપલેટાના ગાભા બજારમાં પાપાવળીયાના ઓટલા પાસે રાત્રે સાડા બાર વાગ્યે ધારીયા અને લોખંડના પાઈપ વડે સામસામે મારામારી થઈ હતી. આ હુમલામાં બન્ને પક્ષના કુલ છ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ઉપલેટા પોલીસ મથકે સામસામે કુલ નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ઘટનાની વિગતો મુજબ, તારીખ 10 નવેમ્બર 2026ના રોજ બપોરે ચારેક વાગ્યે કટલેરી બજારમાં સેવન એવન્યુ સાઈટ પાસે અનસાર ફુલારા અને અબરાર ફુલારા ઉભા હતા. ત્યારે ત્યાંથી નીકળેલા કૌશલ હડફા અને બકતીયાર હડફા સાથે સામે ડોળા કાઢીને જોવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ બાબતે સમાધાન કરવા રાત્રે સાડા બાર વાગ્યે બન્ને પક્ષના વ્યક્તિઓ ગાભા બજારમાં પાળિયાના ઓટલા પાસે ભેગા થયા હતા, જ્યાં ગાળાગાળી બાદ ઉગ્ર મારામારી થઈ હતી.
પ્રથમ ફરિયાદમાં વેપારી અનસાર અલ્તાફભાઇ ફુલારાએ ચાર શખ્સો મક્કિ ઉર્ફે લાલો રફીકભાઇ હડફા, નવેદ હાજીખાલીદ હડફા, કૌશલ હાજીખાલીદ હડફા અને બકતીયાર હાજીખાલીદ હડફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાજમાં ખોટી વાતો કરવાના વહેમ અને બપોરની બોલાચાલીનું મનદુ:ખ રાખી નવેદે ધારીયાથી અબરારના માથામાં ઘા મારતા છ ટાંકા આવ્યા હતા, જ્યારે લાલાએ ધારીયાથી અબરારના ડાબા કાંડામાં અને સબીર નાગાણીના માથામાં ઘા મારી ચાર ટાંકાની ઈજા કરી હતી. ઉપરાંત કૌશલે લોખંડના પાઈપથી માર માર્યો હતો અને અશરફ કપડવંજીને પગમાં મુંઢ ઈજા થઈ હતી. ઘવાયેલા અબરાર અને સબીરને ઉપલેટા સરકારી દવાખાનેથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા હતા.
સામા પક્ષે વેપારી નવેદ હાજીખાલીદ હડફાએ પાંચ શખ્સો અબરાર અકિલભાઇ ફુલારા, અનસાર અલ્તાફભાઇ ફુલારા, સબીર ઉર્ફે સબીરબાપુ અકબરઅલી નાગાણી, સાબીર ઉર્ફે ભોલો ઇકબાલભાઇ સોડવડી અને અસરફ ઉર્ફે ભાણો હારૂૂનભાઈ કપડવંજી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, સાબીર ઉર્ફે ભોલાએ ધારીયું અને અનસારે લોખંડનો પાઈપ મારતા નવેદને માથામાં દસ ટાંકા આવ્યા હતા. તેમજ અનસારે પાઈપ ફટકારતા કૌશલને ડાબા કાંડા અને જમણી કોણીએ ફ્રેક્ચર થયું હતું, જ્યારે અબરાર અને અનસારે બકતીયારને જમણી આંખ પાસે પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડતા ત્રણેય ભાઈઓને શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
