ખંભાળિયાના વેપારી યુવાનનું પોરબંદરમાં સ્કૂટર અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ

ખંભાળિયાના રહીશ અને જાણીતા વેપારી પરિવારના એક યુવાનનું દિવાળી પર્વે પોરબંદર ખાતે થયેલા કાર-સ્કૂટર વચ્ચેના જીવલેણ અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. ખંભાળિયામાં રહેતા અને દાયકાઓથી…

ખંભાળિયાના રહીશ અને જાણીતા વેપારી પરિવારના એક યુવાનનું દિવાળી પર્વે પોરબંદર ખાતે થયેલા કાર-સ્કૂટર વચ્ચેના જીવલેણ અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. ખંભાળિયામાં રહેતા અને દાયકાઓથી દારૂૂ (એક્સપ્લોઝિવ)ના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ. અતુલભાઈ જમનાદાસ સોમૈયાના પુત્ર અભી, તેમના ધર્મપત્ની કિંજલબેન અને બે પુત્રીઓ સાથે દિવાળીના દિવસોમાં પોરબંદર ખાતે રહેતા તેમના કુટુંબી સાળાના ઘરે ગયા હતા. આ વચ્ચે સોમવાર તા. 9 ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે અભી તથા તેમના સાળા ધવલ નરેન્દ્રભાઈ તન્ના જમીને તેમના એક્ટિવા સ્કૂટર પર સોડા પીવા ગયા હતા

. ત્યારે કમલાબાગ વિસ્તારમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવેલી કાળા કલરની એક વર્ના મોટરકારના ચાલકે અભિ અને ધવલના સ્કૂટર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં અભી સોમૈયાને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે પ્રથમ પોરબંદરની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ જામનગર અને ત્યાંથી રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે સાંજના સમયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ જીવલેણ ટક્કરમાં સ્કૂટરમાં પાછળ બેઠેલા ધવલભાઈ તન્નાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી મૃતક અભી સોમૈયાની આશરે બે માસ અને અન્ય એક આશરે પાંચ વર્ષની પુત્રીઓ એ પિતાની છત્રછાયા ગુમાવી દેતા ભારે અરેરાટી પ્રસરાવી છે. ગઈકાલે ગુરુવારે સાંજે નિકળેલી તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો સાથે વેપારીઓ અને મિત્ર વર્તુળ પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *