રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના જીવનમાં આનંદ, ઉમંગ અને ઉત્સાહના રંગો ઉમેરવા તથા દીપોત્સવીના પર્વને યાદગાર બનાવવા માટે ગઇકાલે ધનતેરસથી કાર્નિવલનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગઇકાલે સાંજે કિશાનપરા ચોક, રેસકોર્સ ખાતેથી રેસકોર્સ રિંગ રોડ પરની રોશનીનો અને ત્યારબાદ રેસકોર્સ મેદાનમાં આયોજીત ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ અને આ પછી માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન, રેસકોર્સ ખાતે યોજાયેલ ભવ્ય આતશબાજીનો ગીતસંગીત સાથે ધૂમધડાકાભેર શુભારંભ કરાયો હતો. આજે શનિવારે સાંજે રંગોળી સ્પર્ધા માટે 4 વાગ્યાથી કલાકારોને તેમની જગ્યા સોંપી દેવામા આવશે. મોડી રાત સુધી રંગોળી દોરવાનું ચાલુ રહેશે.
આવતીકાલે સવારથી બેસતા વર્ષ સુધી રંગોળી સામાન્ય જનતા નિહાળી શકશે.આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર ડો.નેહલ શુક્લ, ધારાસભ્યો, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, અંજલીબેન વિજયભાઈ રૂૂપાણી, રૂૂષભ વિજયભાઈ રૂૂપાણી, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટ, ડી.સી.પી. હેતલબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્નિવલનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કરતી વેળાએ મેયર ડો. નેહલ શુક્લએ પ્રસંગોચિત વક્તવ્યમાં કહ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રોશની, લેસર શો, આતશબાજી, રંગોળી સ્પર્ધા અને કાર્નિવલ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ વખત આ વખતે બે નવા આકર્ષણો ઉમેરવામાં આવેલ છે. જેમાં ફૂડ ફેસ્ટિવલ અને ટેબ્લો કાર્નિવલ પરેડનું આયોજન કરાયું છે, ફૂડ ફેસ્ટિવલમાં લોકો લોકો મનગમતા સ્ટ્રીટ ફૂડનો આસ્વાદ માણી શકશે. આ ઉપરાંત ટેબ્લો કાર્નિવલનું પણ આયોજન કરાયું છે જેનો શુભારંભ આવતીકાલે તા.7મીએ સાંજે 7:00 વાગ્યે થનાર છે. આ ટેબલો પરેડ રેસકોર્સ રિંગ રોડ ફરતે ફરશે. ટેબ્લો કાર્નિવલમાં સામાજિક અને સાંસ્કૃતિક સંદેશાઓ સાથે મિકી માઉસ અને અન્ય પાત્રો જોવા મળશે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકો અને તેમના પરિવારજનોને દિવાળીની રજાઓ દરમિયાન આનંદદાયક વાતાવરણમાં એકસાથે ઉત્સવની અનેરો ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થશે.
ફૂડ ફેસ્ટિવલે સ્વાદ રસિયાઓના દિલ જિત્યા, સૌને પરવડે તેવુ હાઇજેનિક ફૂડ
રેસકોર્સના મેદાનમાં શુક્રવારથી ફૂડ કાર્નિવલ(ફેસ્ટિવલ)નો પણ શુભારંભ કરવામા આવ્યો હતો. એ સાથે જ સ્વાદ રસિયાઓ તૂટી પડ્યા હતા. ગઇકાલે આતશબાજીનો કાર્યક્રમ પૂરો થતાની સાથે જ જનમેદાની બાજુમાં જ આવેલા મેળાના મેદાનમાં આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં સ્વાદનો ચટાકો લેવા પહોંચી ગયા હતા. અહી 42થી વધુ ફૂડ સ્ટોલ છે. શહેરના ખાણીપીણીની નામાંકિત પેઢીનો સ્વાદ છે. રૂૂ.40થી માંડી સૌ કોઇને પરવડે તેવી રનીંગ ફૂડ આઇટમથી માંડી નવીન આઇટમનો સ્વાદ પણ માણવા મળે તેમ છે. સારી વાત એ છે કે, તમારી સામે જ બનાવીને પિરસવામા આવે છે. આયોજન મનપાનું હોય હાઇજેનિક સ્થિત માટે આરોગ્ય શાખાનું સતત મનોટરીંગ રહે છે.
