સોમનાથ મંદિર પાસે નોનવેજનો પ્રતિબંધ યથાવત રાખતી સુપ્રીમ

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થોની તૈયારી, સંગ્રહ અને વેચાણ પર લગાવેલા પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાનૂની લડતમાં નાટકીય વળાંકો આવ્યા છે.…

ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થોની તૈયારી, સંગ્રહ અને વેચાણ પર લગાવેલા પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાનૂની લડતમાં નાટકીય વળાંકો આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને સિંગલ જજે રદ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગણતરીના કલાકોમાં જ તેના પર રોક લગાવી પ્રતિબંધને ફરી અમલમાં લાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ આ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે.

ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(ૂ) હેઠળ 10 જુલાઈ 2026ના રોજ પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું હતું અને ત્યારબાદ 10 ઓગસ્ટ 2026ના રોજ અંતિમ જાહેરનામું જારી કર્યું હતું. આ જાહેરનામામાં સોમનાથ મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં તેમજ ભાલકા તીર્થ, ભીડિયા સર્કલ, શંખ સર્કલ, સફારી સર્કલ, ગીતા મંદિર અને હમીરજી સર્કલ જેવા ધાર્મિક સ્થળોને જોડતા છ નિર્દિષ્ટ માર્ગો પર માંસ, મટન, માછલી સહિત તમામ નોનવેજ વાનગીઓની તૈયારી, સંગ્રહ અને વેચાણ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ જાહેરનામાને પ્રભાસ પાટણમાં વર્ષોથી ધંધો કરતા છ રેસ્ટોરન્ટ માલિકોએ (તાજ રેસ્ટોરન્ટ સહિત) સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 13977/2026 દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

અગાઉ 30 ઓક્ટોબર 2026ના રોજ સિંગલ જજ જસ્ટિસ નિશા એમ. ઠાકોરે અરજીઓ મંજૂર કરી જાહેરનામું રદ કર્યું હતું. એ જ દિવસે સાંજે એક્ટિંગ ચીફ જસ્ટિસ મનશ રંજન પાઠક અને જસ્ટિસ નિર્ઝાર એસ. દેસાઈની ડિવિઝન બેન્ચે વિશેષ સુનાવણી હાથ ધરી. સિંગલ જજના આદેશ પર રોક લગાવી અને 10 ઓગસ્ટ 2026ના જાહેરનામાને આગામી તારીખ (25 નવેમ્બર 2026) સુધી અમલમાં રાખવાનો નિર્દેશ આપ્યો.

આજે 6 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશને પડકારતી અરજીની સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ હુઝેફા અહમદીએ દલીલ કરી કે દેશની લગભગ 80 ટકા વસ્તી નોનવેજિયન છે અને આવા પ્રતિબંધો અતિસંવેદનશીલતા દર્શાવે છે. તેમણે બંધારણીય સહિષ્ણુતા અને બિજોએ ઇમેન્યુઅલ કેસનો ઉલ્લેખ કરીને કહ્યું કે આહારની આદતો પર જબરદસ્તી થઈ શકે નહીં. કોર્ટે સંતુલન જાળવવાની જરૂૂરિયાત વ્યક્ત કરી અને આગામી અનુચ્છેદ 25 (ધાર્મિક સ્વાતંત્ર્ય) સંબંધિત ચુકાદાનો ઉલ્લેખ કર્યો. કોર્ટે અરજી ફગાવી દીધી અને હળવી ટિપ્પણીમાં કહ્યું કે દીપાવલી જેવા પ્રકાશના તહેવારમાં મીઠાઈઓથી ઉજવણી કરો, વેજ-નોનવેજની ચર્ચા બાજુ પર રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *