શહેરમાં આજી વસાહતમાં કાનાભાઇના મફતીયાપરામાં આવેલા આવાસ કવાર્ટરમાં રહેતા ગાઠીયાના ધંધાર્થીએ માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં ઘેનના ટીકડા ખાઇ લીધા હતા. પ્રૌઢની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાનાભાઇના મફતીયાપરામાં આવેલા ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા અને ગાઠીયાની કેબીન ઘરાવતા અશોકભાઇ રમેશભાઇ રાજવીર (ઉ.વ.45) પોતાના ઘરે હતા ત્યારે ઘેનની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. પ્રૌઢની તબિયત લથડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં આઠ માસ પૂર્વે જ અશોકભાઇના માતા ઉષાબેનનું અવસાન થયુ હતું.
જ્યારે પિતા પથરાવશ છે માતાના વિરહમાં અને બીમાર પિતાની ચિંતામાં પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતી નીતાબેન જયસુખભાઇ રાઠોડ નામની 35 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
