રાજકોટના જવેલરી બજારના વ્યવસાયમાં 40 ટકાનું ગાબડું

તોતિંગ ભાવવધારાના કારણે સોનાની માંગમાં સપ્ટેમ્બર કવાર્ટરમાં જ 29 ટકાનું ગાબડું, ખરીદી કોરોનાકાળની સ્થિતિએ ચાંદીમાં પણ વળતા પાણી, સતત ભાવ ઘટાડાનાં કારણે વેપાર ઠપ્પ જેવી…

તોતિંગ ભાવવધારાના કારણે સોનાની માંગમાં સપ્ટેમ્બર કવાર્ટરમાં જ 29 ટકાનું ગાબડું, ખરીદી કોરોનાકાળની સ્થિતિએ

ચાંદીમાં પણ વળતા પાણી, સતત ભાવ ઘટાડાનાં કારણે વેપાર ઠપ્પ જેવી સ્થિતિ, માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારાની સીધી અસર હવે બજારમાં તેની ખરીદી પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજકોટમાં પણ ચાલુ સિઝનમાં જવેલરી બિઝનેશમાં 30 થી 40 ટકાનો ઘટાડો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં દશેરામાં પણ જવેલરી સેકટરનો બિઝનેશ નીચે જોવા મળ્યા બાદ આ વર્ષે પણ સિઝન નબળી રહે તેવી સંભાવના છે. આ વર્ષે ભારતમાં સોનાની કુલ માગ છેલ્લા 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે તેવી શક્યતા છે. સોનું વધુ પડતું મોંઘું થઈ જતાં લોકો એકતરફ જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ રોકાણના હેતુથી સોનું ખરીદનારાઓ પણ પાછળ હટી રહ્યા છે.

’વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ (ઠૠઈ)ના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2026માં ભારતમાં સોનાની કુલ માગ ઘટીને આશરે 650 મેટ્રિક ટન જેટલી જ રહી શકે છે. આ ઉપરાંત, આ વર્ષે નબળા ચોમાસાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવકમાં થયેલો ઘટાડો પણ સોનાની ખરીદી ઘટવા પાછળનું એક મુખ્ય કારણ બન્યો છે.

નકશા જુઓ સોનાની ખરીદીમાં આવેલી આ મંદી વર્ષના ત્રીજા ક્વાર્ટરના આંકડાઓમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવી છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સોનાની કુલ માગ વાર્ષિક ધોરણે 29 ટકા ઘટીને માત્ર 162.5 મેટ્રિક ટન રહી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન જ્વેલરીની ખરીદીમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રોકાણ માટે સોનાની ખરીદીમાં પૂરા 40 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો.

આ આંકડા દર્શાવે છે કે ઊંચા ભાવના કારણે માત્ર દાગીના ખરીદનારા જ નહીં, પરંતુ સોનામાં સુરક્ષિત રોકાણ માનનારા રોકાણકારો પણ ખરીદી કરવાથી પાછળ હટ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સોનાના ઊંચા ભાવ તેની માગ ઘટવાનું સૌથી મોટું કારણ છે. ઈરાન સાથેના યુદ્ધ બાદ જીવન-નિર્વાહનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર ભારે દબાણ છે અને લોકો સોનાની ખરીદી પર અગાઉ જેટલો ખર્ચ કરી શકતા નથી. કિંમતો વધારે હોવાને કારણે ઘણા ગ્રાહકો ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અથવા પહેલાંની સરખામણીએ ઓછા વજનના ઘરેણાં ખરીદી રહ્યા છે. ભારતમાં સોનાની કુલ માગનો અડધાથી વધુ હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. ગામડાઓમાં લોકો સોનાને માત્ર પહેરવા માટે જ નહીં, પરંતુ બચત અને સંપત્તિ તરીકે પણ ખરીદે છે. પરંતુ આ વર્ષે નબળા ચોમાસાએ ગ્રામીણ માગ સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

2026માં ચોમાસાનો વરસાદ એક દાયકા કરતાં પણ વધુ સમયના સૌથી નીચલા સ્તરે રહ્યો છે, જેનાથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક પર અસર પડી છે.માગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ડિસેમ્બર ક્વાર્ટરથી બજારમાં કેટલાક સુધારાની આશા રાખવામાં આવી રહી છે. દિવાળી અને લગ્નની સિઝનમાં સોનાની ખરીદીમાં થોડો વધારો થઈ શકે છે, કારણ કે ભારતમાં તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જોકે, સોનાના ઊંચા ભાવ અને ગ્રામીણ અર્થતંત્રની નબળાઈ આ વધારાને મર્યાદિત રાખી શકે છે, જેથી આખા વર્ષની કુલ ઘટની પૂર્તિ થવી મુશ્કેલ છે.

ગત ધનતેરસ કરતા ઘરાકી 20થી 30 ટકા ઓછી રહેશે: મયુર આડેશરા
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના પ્રમુખ મયુર આડેશરાએ જણાવ્યું હતું કે સોના-ચાંદીના ભાવમાં વધારો, વરસાદની ખેંચ તેમજ ગ્રામીણ અર્થ તંત્ર નબળુ પડતા આ વખતે જવેલરી સેકટરને અસર પહોંચી છે. ઓવર ઓલ મોંઘવારી પણ આ સેકટરને અસર કરશે. જયાં સુધી તહેવારની વાત કરીએ તો ઘરાકી દેખાઇ રહી છે પરંતુ ગત વર્ષ કરતા ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. ધનતેરસમાં ગ્રાહકોનો પ્રવાહ વધશે પરંતુ ગત વર્ષની સરખામણી કરીએ તો ચાલુ વર્ષે ધન તેરસમાં પણ સોનાની ઘરાકી 20 થી 30 ટકા ઓછી રહી શકે છે. જે ગ્રાહકો આવશે તે પણ નાની આઇટમો અથવા લાઇટ વેઇટ જવેલરીની માંગ રહે તેવી સંભાવના છે. દિવાળી પછી જો લગ્નની સીઝન નીકળશે તો આ સેકટરને થોડુ બુસ્ટર મળશે.

ભાવ વધારો અને મંદીની અસર બધી બજારમાં છે: ભાયાભાઈ સાહોલિયા
રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ જણાવ્યું હતું કે હાલ ઘરાકી ઓછી છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ બમણા થયા છે. તેમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ વરસાદ થયો નથી, ખેડુતોનો પાક પણ સિમિત છે ત્યારે ગામડાની ઘરાકી ઓછી જોવા મળશે. જો કે અમને આશા છે કે પુષ્ય નક્ષત્ર, ધનતેરસ તેમજ દિવાળી બાદ લગ્નસરાની સિઝનમાં ઘરાકી નીકળશે. ભાવ થોડો ઘટયા છે તેનો ફાયદો થશે અને હજુ પણ સરકાર સોના પર જે 9 ટકા વધારાની ડયુટી નાખી હતી તે ઘટાડી દે તો ભાવમાં હજુ 10 થી 12 હજારનો ઘટાડો થશે. જો એવું થશે તો ગ્રાહકોને પણ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *