ગુજરાતમાં બિનરાજકીય ગણાતા સહકારી ક્ષેત્રમાં સતાના જોરે ભાજપ દ્વારા કરાતો ચંચુપાત હવે ભાજપને જ નડી રહ્યો છે. રાજકોટ સહીત રાજયની અનેક સહકારી સંસ્થાઓમાં બળવાના ભયે ચૂંટણીઓ અટકી પડી છે ત્યારે સાબરડેરીમાં પણ ભાજપનાં જ ડિરેકટરોનું એક જુથ પક્ષના નિર્ણયનો ઉલાળીયો કરવા તૈયાર થઇ જતાં ભારે ચકચાર જાગી છે.
સાબર ડેરીના ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણી પુર્વે ભાજપે સેન્સ લેવાની જાહેરાત કરતાં જ શામળજી પટેલ જુથે ચેરમેન બનાવવા મોરચો ખોલી દીધો છે અને કોંગ્રેસમાંથી આવેલા વિપુલ પટેલનો વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ ભાજપના મોવડી મંડળે તાબડતોબ ચેરમેન પદના ચાર અને વાઇસ ચેરમેન પદના 3 દાવેદારોને ગાંધીનગર બોલાવી રીસામણા મનામણા શરૂ કર્યા છે.
ભાજપ મોવડીમંડળે કોંગ્રેસમાનથી ભાજપમાં આવેલા વિપુલ પટેલને ચેરમેન બનાવવા તૈયારી કરતા જ ભાજપના જુના જોગી શામળ પટેલ જુથે શિંગડા ભરાવ્યા છે.
સાબર ડેરીના અધ્યક્ષપદ માટે વિપુલ પટેલનું નામ આગળ હોવાની ચર્ચા વચ્ચે ભાજપના સ્થાનિક સંગઠન અને વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિપુલ પટેલ ત્રણ વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. એટલું જ નહીં, તેમણે વર્ષ 2014 અને 2017ની ચૂંટણીમાં ભાજપ સામે ચૂંટણી પણ લડી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાને સાબર ડેરી જેવા મહત્વના સહકારી સંસ્થાનું સુકાન સોંપવાની તૈયારી સામે જૂના ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ હોવાની ચર્ચા છે.17 મૂળ ભાજપી ડિરેક્ટરો હોવા છતાં વિપુલ પટેલનું નામ ચર્ચામાં છે.
સાબર ડેરીમાં કુલ 18 જેટલા ડિરેક્ટરો હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમાંથી મોટાભાગના મૂળ ભાજપ સાથે જોડાયેલા હોવાની ચર્ચા છે. ખાસ કરીને 17 ડિરેક્ટરો મૂળ ભાજપી હોવા છતાં 13 જેટલા ડિરેક્ટરોમાંથી કોઈને બદલે વિપુલ પટેલનું નામ આગળ આવતાં અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે વર્ષોથી ભાજપ માટે કામ કરતા અને પક્ષની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોને અવગણીને તાજેતરમાં પક્ષમાં જોડાયેલા વ્યક્તિને મહત્વનું પદ આપવાની તૈયારી કેમ કરવામાં આવી રહી છે?
વિપુલ પટેલ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને વર્ષ 2014 તથા 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે તેમના સારા સંબંધો હોવાની વાતો પણ રાજકીય ચર્ચામાં ઉઠી રહી છે. ત્રણ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા બાદ હવે તેમને સાબર ડેરીનું સુકાન સોંપવાની શક્યતા વ્યક્ત થતાં જૂના કાર્યકર્તાઓમાં અસંતોષ હોવાનું કહેવાય છે.
