દારૂ કરતા ડ્રગ્સનું દૂષણ વધુ ખતરનાક: અલ્પેશ કથિરીયા

રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન…

રાજકોટમાં દારૂૂ પાર્ટીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. સમાજના અગ્રણી ગણપતભાઈ પટેલે યુવાનોમાં વધી રહેલા વ્યસન અંગે વ્યક્ત કરેલી ચિંતાને સમર્થન આપતાં કથિરિયાએ જણાવ્યું કે આ મુદ્દો માત્ર રાજકોટ કે પાટીદાર સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ તમામ સમાજના યુવાનો માટે ચિંતાનો વિષય છે.

અલ્પેશ કથિરિયાના જણાવ્યા મુજબ, આજના યુવાનોમાં દારૂૂ ઉપરાંત MD ડ્રગ્સ, મેફેડ્રોન પાવડર, ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું સેવન ચિંતાજનક છે. તેમણે દાવો કર્યો કે ડ્રગ્સનું દૂષણ હવે ઘરો અને કોલેજ કેમ્પસ સુધી પહોંચી ગયું છે. કેટલાક યુવાનો ઓનલાઈન માધ્યમથી પણ નશીલા પદાર્થો મેળવી રહ્યા હોવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.

કથિરિયાએ યુવાનોમાં મોબાઈલના વધતા ઉપયોગ, ઓનલાઈન ગેમિંગ અને ખોટી સંગત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે, માતા-પિતાની વાત નહીં માનવી અને સ્વતંત્રતાના નામે ખોટા માર્ગે જવું યુવાનોના ભવિષ્ય માટે જોખમી બની શકે છે. તેમણે યુવાનોમાં વધતી માનસિક હતાશા અને આપઘાતના બનાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

યુવા પેઢીને વ્યસનથી બચાવવા અલ્પેશ કથિરિયાએ માતા-પિતાને સંતાનો પર ધ્યાન રાખવા અને બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર આપવાની અપીલ કરી છે. તેમણે દરેક પરિવારમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ધર્મસભા યોજી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાની વાત કરી હતી. રાજકોટના વિવાદ વચ્ચે અલ્પેશ કથિરિયાનું આ નિવેદન યુવાનોમાં વધતા વ્યસનના ગંભીર પ્રશ્નને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *