મોંઘવારી-ટેરિફ અને ઇરાન યુધ્ધની સુનામીમાં ટ્રમ્પ ડૂબ્યા

સમગ્ર વિશ્ર્વ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હતું તે અમેરિકાની મીડટર્મ ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે. આંચકાજનક પરિણામોમાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીએ અમેરિકન સંસદના…

સમગ્ર વિશ્ર્વ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હતું તે અમેરિકાની મીડટર્મ ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે. આંચકાજનક પરિણામોમાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીએ અમેરિકન સંસદના બન્ને ગૃહમાં મેજોરીટી ગુમાવી દીધી છે અને વિપક્ષી ડેમોક્રેટીક પાર્ટીએ જોરદાર વાપસી કરતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવઝમાં 222થી વધુ અને સેનેટમાં 52થી વધુ બેઠકો જીતી લઇને બહુમતી હાંસલ કરી લીધી છે. રિપબ્લિકન પાર્ટીના વર્ષો જૂના પરંપરાગત ગઢ ગણાતા રાજ્યોમાં ડેમોક્રેટ્સની અણધારી જીતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સામે ગંભીર ‘ચેક એન્ડ બેલેન્સ’ની સ્થિતિ ઊભી કરી દીધી છે. ટ્રમ્પની હાર માટે લોકોએ મોંઘવારી, ટેરિફ યુધ્ધ અને ઇરાન યુધ્ધ જેવા કારણો જણાવ્યા છે.

અમેરિકાની સંસદના સેનેટમાં મોટો ઉલટફેર સર્જાતા 6 બેઠકો પર પાર્ટી બદલાઇ છે. 100 સભ્યો ધરાવતી સેનેટમાં બહુમતી સાબિત કરવા માટે ડેમોક્રેટ્સે રિપબ્લિક્ધસ પાસેથી ઓછામાં ઓછી 6 બેઠકો આંચકી લીધી છે. જેમાં ટેકસાસ, મેઇન, આયોવા, કેન્સાસ, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના અને ઓહાયોમાં જેવી બેઠકોમાં ડેમોક્રેટસ ઉમેદવારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રિપબ્લીકના ગઢમાં ગાબડા પાડી દીધા છે.

ડેમોક્રેટ જેમ્સ તાલારિકોએ ટેક્સાસની સેનેટ બેઠક પર ઐતિહાસિક વિજય નોંધાવી દાયકાઓ પછી ડેમોક્રેટ્સનું પુનરાગમન કરાવ્યું. સતત છઠ્ઠી ટર્મ માટે મેદાનમાં ઉતરેલા વરિષ્ઠ રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સને ડેમોક્રેટ ટ્રોય જેક્સને પરાજય આપી મોટો આંચકો આપ્યો.

નિવૃત્ત સેનેટર જોની અર્ન્સ્ટની ખાલી પડેલી બેઠક પર ડેમોક્રેટ જોશ તુરેકે રિપબ્લિકન એશ્ર્લે હિન્સનને હરાવી બેઠક પોતાના નામે કરી. બરાક ઓબામા પછી આયોવામાં કોઈ ફેડરલ ચૂંટણી જીતનારા તેઓ પ્રથમ ડેમોક્રેટ બન્યા. કેન્સાસ, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના અને ઓહાયોમાં પણ ડેમોક્રેટિક ઉમેદવારોએ રિપબ્લિકન ગઢમાં ગાબડાં પાડી સેનેટ પર સંપૂર્ણ કબજો સુનિશ્ચિત કર્યો.હાઉસની 435 બેઠકો પૈકી ડેમોક્રેટ્સે ડઝનથી વધુ બેઠકો ફ્લિપ કરીને 218 ના જાદુઈ આંકડા તરફ આગેકૂચ જાળવી રાખી છે.

કુલ 36 રાજ્યોના ગવર્નર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ડેમોક્રેટ્સ બે દાયકા બાદ બહુમતી રાજ્યોમાં સત્તા મેળવવાના આરે પહોંચ્યા છે. જેમાં જ્યોર્જિયા, ટેકસા, મિનેસોટા સહીતના મોટા રાજયો ડેમોક્રેટસે જીતી લીધા છે. જયોર્જિયામાં કીશા લાન્સ બોટમ્સે ઐતિહાસિક વિજય મેળવી અમેરિકી ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બનવાનું ગૌરવ મેળવ્યું.

વોટર પોલ અનુસાર સામાન્ય જનતાએ આર્થિક તંગી અને આંતરરાષ્ટ્રીય મોરચે લીધેલા આક્રમક નિર્ણયો વિરુદ્ધ મતદાન કર્યું છે. જેમાં ગેસોલીન, ખાદ્ય પદાર્થોના વધતા ભાવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાદવામાં આવેલા ટેરિફથી સ્થાનિક ગ્રાહકો પર આર્થિક બોજ વધ્યો હતો. બીજા કારણમાં વિદેશ નીતિ ગણાવાઇ રહી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન સાથેના લશ્કરી સંઘર્ષ સામે સામાન્ય મતદારોએ અણગમો દર્શાવ્યો. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર કાલીબાફે પણ આ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું કે અમેરિકન જનતાએ યુદ્ધ વિરુદ્ધ સ્પષ્ટ મત આપ્યો છે. આ ઉપરાંત મતદારો કોંગ્રેસ દ્વારા વ્હાઇટ હાઉસના વહીવટ પર વધુ કડક દેખરેખ ઇચ્છતા હોવાનું સામે આવ્યું છે.

 

મારો ફોટો નહોતો, ઇરાન યુધ્ધ નડી ગયું: હાર પછી ટ્રમ્પની બહાનાબાજી
મિટટર્મ ચૂંટણીમાં પરાજય પછી ટ્રમ્પે પહેલી પ્રતિક્રિયામાં બચાવ કર્યો હતો કે બેલેટ પેપરમાં તેમનો ફોટો નહોતો. જો હોત તો અમારો જંગી વિજય થયો હોત. એ પછી તેમણે સ્વિકાર્યું કે ઇરાન સાથેનું યુધ્ધ તેમના પક્ષને નડી ગયું છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને કહ્યું, “મને લાગે છે કે ડેમોક્રેટ્સે સારું કામ કર્યું છે. ખરેખર, તેમણે સારું કામ કર્યું છે. તેમણે જોરદાર લડત આપી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તે સમયે વાતાવરણમાં એક અલગ જ “મૂડ” હતો અને તેથી “મારે દોષિત અનુભવવાની જરૂૂર નથી.” તેમણે કહ્યું કે તેઓ ડેમોક્રેટ સાથે મળી કામ કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુએસ મિડટર્મ ચૂંટણીના પરિણામો સ્વીકારશે પરંતુ સાથે જ તેમણે આ ઐતિહાસિક હારનો દોષ પોતાની પાર્ટીના સાથી રિપબ્લિકનો પર નાખવાનો પ્રયાસ કર્યો. પ્રથમ પરિણામો આવે તે પહેલાં જ ટ્રમ્પ અસ્વસ્થ જણાતા હતા તેમણે મંગળવારે મોડી રાત્રે ‘ફોક્સ ન્યૂઝ’ને જણાવ્યું હતું કે, તેમની રિપબ્લિકન પાર્ટીને મધ્યસત્ર ચૂંટણીમાં મળેલી આઘાતજનક હારમાં ઈરાન સાથેના સંઘર્ષે (ઈરાન યુદ્ધના મુદ્દાએ) ભૂમિકા ભજવી હતી. ફોક્સ ન્યૂઝ સાથેની ટેલિફોનિક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે તેનું એક કારણ ઈરાન હતું, પરંતુ સાથે જ લોકો એ પણ સમજી ગયા હતા કે મેં ઈરાન બાબતે જે પગલાં લીધાં છે તેનું શું મહત્વ છે.

ગુજરાતી મૂળના અમી બેરાની સતત આઠમી વખત સાંસદ બનશે, ભારતીય સમુદાયના મોટા ચહેરા રામાસ્વામીની હાર
કેલિફોર્નિયાની ત્રીજી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ચૂંટણી લડી રહેલા ભારતીય-અમેરિકન અને ગુજરાતી મૂળના સાંસદ ડો. અમી બેરાએ રિપબ્લિકન રોબ ટકરને હરાવીને સતત આઠમી વખત વિજય પતાકા લહેરાવી છે. તેઓ યુએસ કોંગ્રેસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા ભારતીય મૂળના પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય મુળના ચહેરાઓમાં રો ખન્ના કેલિફોર્નિયાની 17મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ (સિલિકોન વેલી) માં 72% મતો મેળવીને રિપબ્લિકન રિતેશ ટંડનને કારમી હાર આપી હતી. પ્રમિલા જયપાલે વોશિંગ્ટનની 7મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી 87.5% મતો સાથે રિપબ્લિકન નીરવ શેઠ સામે જંગી વિજય મેળવ્યો છે. સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયાની 10મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી પુન: ચૂંટાઈ આવ્યા છે. પિયા દાંડિયાએ ફ્લોરિડાની 22મી ડિસ્ટ્રિક્ટમાંથી જીત મેળવી યુએસ હાઉસમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત જોશ કૌલ વિસ્કોન્સિનના એટર્ની જનરલ તરીકે ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે. તથા અરુણા મિલર મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પુન: ચૂંટાયા છે. ભારતીય સમુદાયના મોટા ચહેરા તરીકે ઓળખાતા અને ટ્રમ્પ-સમર્થિત જાણીતા ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદની ચૂંટણીમાં ડેમોક્રેટ એમી એક્ટન સામે પરાજિત થયા છે. તો સરિતા કોમતીરેડ્ડી ન્યૂયોર્ક એટર્ની જનરલની ચૂંટણીમાં ડેમોક્રેટ લેટિશિયા જેમ્સ સામે હારી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *