રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલવે ટ્રેક પર શક્તિશાળી વિસ્ફોટની ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવવાના ઇરાદે રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનુપગઢ-સુરતગઢ ટ્રેન પસાર થયાના થોડા સમય પછી આ ઘટના બની હતી. શ્રીગંગાનગરમાં ટ્રેનને ઉડાવી દેવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મંગળવારે અનુપગઢ-સુરતગઢ રેલવે લાઇન પર 50 જીબી ગામ નજીક આ વિસ્ફોટ થયો હતો. મહત્વની વાત એ છે કે, આ ટ્રેન પસાર થયાના થોડા સમય બાદ જ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હોવાની આશંકા છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેનને ઉડાવી દેવાના કાવતરાના ભાગરૂપે વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.હાલમાં બ્લાસ્ટ પાછળનો હેતુ શું હતો, વિસ્ફોટક સામગ્રી કોણે મૂકી હતી અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે ટ્રેક જેવા સંવેદનશીલ સ્થળે થયેલા આ બ્લાસ્ટને પગલે રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
વિસ્ફોટનું કારણ શું હતું અને તેમાં કોઈ ષડયંત્ર સામેલ છે કે કેમ, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ બાદ જ સંપૂર્ણ વિગતો સામે આવશે. રેલવે તંત્રએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે.
