શહેરના કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં યોજાયેલી માલેતુજારોની મેહેફીલ કાંડની તપાસ માલવિયાનગર પોલીસને સોપવામાં આવી છે. દારૂૂની મહેફિલ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય હવે તેની તપાસ માલવિયાનગર પોલીસને સોપવામાં આવી છે. ડેકોરા ગ્રૂપના ચેરમેન ચિરાગ પટેલના જન્મદિનની એડવાન્સ ઉજવણી માટે આયોજિત આ પાર્ટીમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં મીડિયા સાથેના વિવાદ અને હોટલ સંચાલકોની સંડોવણીને લઈને અનેક ગંભીર ખુલાસા થયા છે.
કાલાવાડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં દારૂૂની રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે ત્રાટકીને તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન 33 મહિલાઓ સહિત કુલ 76 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી ડેકોરા ગ્રૂપના માલિક ચિરાગ પટેલ સહિત કુલ 38 આરોપીઓ સામે દારૂૂ પીવાના ગુના હેઠળ ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ પ્રકરણના મુખ્ય સૂત્રધાર અને ડેકોરા ગ્રૂપના માલિક ચિરાગ પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે પાર્ટી માટે અગાઉથી જ રાજસ્થાનથી 9 બોટલ દારૂૂ મંગાવ્યો હતો. આ ઉપરાંત, અન્ય બે બોટલ તેનો પિતરાઈ ભાઈ ગૌરવ હરીભાઈ પટેલ લઈને આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ખાલી અને ભરેલી મળીને કુલ 11 દારૂૂની બોટલો જપ્ત કરી છે. આ સમગ્ર ઘટના બાદ એક વિવાદાસ્પદ સ્થિતિ પણ સર્જાઈ હતી. તાલુકા પોલીસ મથકના પીઆઈ અને મીડિયા સાથે ગેરવર્તનના આક્ષેપ વચ્ચે પોલીસ અને મીડિયા વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈને ડીસીપી રાકેશ દેસાઈએ તાત્કાલિક અસરથી તાલુકા પોલીસની હદમાં આવતી હોટલ સરાઝાની તપાસ માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. કૈલાને સોંપી દીધી છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમ દ્વારા દારૂૂ ક્યાંથી આવ્યો અને મેડિકલ રિપોર્ટની ચકાસણી સહિતની સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ વાતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે દરોડા દરમિયાન કેટલાક લોકો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ સંભવિત બાબતની સત્યતા ચકાસવા માટે માલવિયા નગર પોલીસે એફએસએલ ની મદદથી ડીવીઆર દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ડીસીપી રાકેશ દેસાઈએ સ્પષ્ટ કર્યું છે કે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ, હોટલ સરાઝામાં અગાઉ કેટલી પાર્ટીઓ યોજાઈ હતી તે અંગે હોટલના માલિક કૌશલ અનડકટની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. જેને પોલીસે તેડું મોકલ્યું છે.
