દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર દીપેશ કેડિયાની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરીમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્યતેલ સહિતના વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથક્કરણ માટે વડોદરા અને જામનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ શાખાની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ એમ બે પ્રકારના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ હેઠળ મિક્સ કઠોળ ચવાણું, દાળ મૂઠ નમકીન, ચોકલેટ પેંડા, ગુલાબ બ્રાન્ડનું કપાસિયા તેલ અને બેસનના 18 નમૂના લઈ વડોદરા સ્થિત ફૂડ એનાલિટિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત સર્વેલન્સ હેઠળ ડ્રાય કચોરી, ઠાબડી, કલકત્તી પ્લાઝા અને કેસરી પેંડાના નમૂના પણ વડોદરા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે.
જ્યારે જામનગરની સ્થાનિક લેબોરેટરીમાં ઢોસાનું ખીરું, ઈડલી, ચટણી, સંભાર, કાજુ કતરી, નાયલોન ચવાણું, પોહા ચેવડો, પાપડી ગાંઠિયા, રાજસ્થાની મિક્સ, વ્હાઈટ પેંડા, મેંગો બરફી, નાનખટાઈ, મોહનથાળ અને ટોપરા પાક સહિતના ખાદ્યપદાર્થોના નમૂના મોકલવામાં આવ્યા છે.
શહેરના સેન્ટ્રલ બેંક સામેના વિસ્તાર, ગુલાબનગર, ખંભાળિયા રોડ, ગ્રેન માર્કેટ અને રણજીત રોડ સહિતના વિસ્તારોમાં આવેલા મીઠાઈ તથા ફરસાણના વેપારીઓ પાસેથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ફૂડ શાખા દ્વારા તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તકેદારી રાખવાના ભાગરૂૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે લેબોરેટરીના પૃથક્કરણ અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોની મોસમમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
