ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે જહાજ પર સવાર અન્ય ૧૩ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, આ જહાજની ઓળખ ‘એમએસવી અલ જુસુફી’ (MSV Al Jusufi) તરીકે થઈ છે. તે ઓમાનના દરિયાકાંઠા નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર કોઈ અજાણી હવાઈ વસ્તુ (aerial object) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઓમાનના કોસ્ટ ગાર્ડે જહાજ પર સવાર ૧૩ લોકોને બચાવી લીધા હતા. જોકે, એક નાવિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં તેમનું અવસાન થયું હતું.
મૃતક નાવિકની ઓળખ ગુજરાતના વતની ગંધાર નહીમ અઝીઝ તરીકે થઈ છે. કેન્દ્રીય મંત્રી સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા નાવિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીએ જણાવ્યું કે તેમનું મંત્રાલય અને ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. બચી ગયેલા ૧૩ લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા તેમજ તેમને અને મૃતક નાવિકના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર વધી રહેલા તણાવના કારણે વેપારી જહાજો પરના હુમલામાં ચિંતાજનક વધારો થયો છે. ગયા અઠવાડિયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હુમલા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૨ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં ૧૪ નાવિકોનો સમાવેશ થાય છે, જેઓ વેપારી જહાજો પર કામ કરતા હતા.
