ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો

મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…

મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે.

જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી સગીરાનું અપહરણ થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ આગળ ધપાવી આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામેથી બાળાને શોધી કાઢી હતી. પોલીસે આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર 24)ને ઝડપી લઈ સગીરાને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી હતી.

આ અંગેની વિગતો મુજબ, ગત તા. 8 ઓક્ટોબર, 2026ના રોજ સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં સગીરાને શોધી કાઢવા તપાસ શરૂૂ કરવામાં આવી હતી.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના નેતૃત્વમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ધોરીયા અને સ્ટાફ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજની ચકાસણી સાથે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની તપાસમાં મહત્વની કડી મળી હતી. સગીરા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર વીડિયો ગેમ રમતી હતી અને આ ગેમમાં એક અજાણ્યા શખસે આઈડી બનાવી તેની સાથે રમવાનું શરૂૂ કર્યું હતું.

ત્યારબાદ ગેમમાં મેસેજ મારફતે વાતચીત કરી સગીરાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ફોન દ્વારા સંપર્ક વધારી તેને લલચાવી-ફોસલાવી લઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સગીરા આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. ધોરીયા, એ.એસ.આઈ. રવીરાજસિંહ અનિરૂૂદ્ધસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા અને ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની ટીમને આસામ મોકલી હતી. ત્યાં સઘન તપાસ હાથ ધરતાં સગીરા આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર 24, રહે. જોગીઘોપા, જિલ્લો બોંગાઈગાંવ, આસામ) સાથે મળી આવી હતી. પોલીસે સગીરાને શોધી મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર. જોરીયા, એ.એસ.આઈ. રવીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઓનલાઇન ગેમ રમતાં બાળકોની સુરક્ષા અંગે વાલીઓને પોલીસની અપીલ
મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે બાળકો અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકે છે. આવી સ્થિતિમાં વાલીઓએ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી, અજાણ્યા વ્યક્તિઓ સાથે મોબાઇલ નંબર કે અંગત માહિતી શેર ન કરવા સમજાવવું અને કોઈ લાલચ, દબાણ કે ધમકી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પ્રોત્સાહિત કરવું જરૂૂરી છે, તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *