ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એક અદાલતે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસ 2018માં કરવામાં આવેલી તે ટિપ્પણી સાથે સંબંધિત છે, જેમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યાના કેસના આરોપી ગણાવ્યા હતા. ચુકાદો સંભળાવતી વખતે, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની કોર્ટમાં રાહુલ ગાંધી પોતે હાજર હતા. કોર્ટે આજે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ માનહાનિજનક નહોતી. કોંગ્રેસે આ ચુકાદાને સત્ય ને ન્યાયની જીત ગણાવી હતી.
ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) ની કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફોજદારી માનહાનિનો કેસ ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના નેતા વિનય મિશ્રાએ 2018માં દાખલ કર્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, કર્ણાટક ચૂંટણી દરમિયાન આપેલા એક નિવેદનમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યાના આરોપી તરીકે સંબોધ્યા હતા. બેંગલુરુમાં રાહુલ ગાંધીએ નીચે મુજબનું નિવેદન આપ્યું હતું:
“ભારતના લોકો ભૂલી જાય છે કે ભાજપના અધ્યક્ષ હત્યાના આરોપી છે. આ જ સત્ય છે. જે પક્ષ પ્રામાણિકતા અને શિષ્ટાચારની વાતો કરે છે, તેના અધ્યક્ષ પદે એક એવા વ્યક્તિ છે જેમના પર હત્યાનો આરોપ છે.”
રાહુલ ગાંધીનો ઈશારો સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ તરફ હતો, જેમાં 2014માં સીબીઆઈની એક વિશેષ અદાલતે અમિત શાહને આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
વર્ષ 2023માં, ગુજરાતની એક અદાલતે અન્ય એક માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ કેસ “બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?” તેવી ટિપ્પણી સાથે જોડાયેલો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુઓ સાથે જોડતું આ નિવેદન 2019માં કર્ણાટકના કોલાર મતવિસ્તારમાં એક ચૂંટણી રેલી દરમિયાન આપવામાં આવ્યું હતું. તે સમયે વાયનાડથી સંસદ સભ્ય રહેલા રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે આ સજા પર રોક લગાવી દીધી હતી આ વચગાળાના આદેશને કારણે તેઓ ફરીથી સાંસદ તરીકે ચાલુ રહી શક્યા.
