ખેડૂતોને વધુમાં વધુ 17 હજારની સહાય મળશે, પશુપાલકોને બે રૂપિયે કિલો ઘાસચારો, ગ્રામીણ વિસ્તારોમાં 150 માનવદિવસ રોજગારી અપાશે
ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા દુષ્કાળના કારણે રાજયના 20થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉઠેલી માંગણી વચ્ચે રાજય સરકારે આજે જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેકટર દિઠ રૂા.8500ની સહાય બે હેકટરની મર્યાદામાં જાહેર કરી છે. મતલબ કે, દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ખેડુતોને વધુમાં વધુ રૂા.17 હજારનું વળતર મળશે.
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી હતી. 40 ટકાથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. જો કે, ગુજરાતમાં અનેક તાલુકા એવા છે કે, જેમાં દુષ્કાળ જાહેર કરાયા છે. ખેડુતોમાં નારાજગી ફેલાઇ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓછા વરસાદને કારણે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ઘાસચારો આપવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. પશુપાલકોને માત્ર ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પાસે હાલ 3 કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. જરૂૂરિયાત વધે તો વધારાનો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે. બે મહિના બાદ પણ જો સહાયની જરૂૂરિયાત ઊભી થશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર આગળનો નિર્ણય લેશે.
દુષ્કાળની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે અને તેમની આજીવિકા પર અસર ઓછી થાય તે માટે સરકારે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2026થી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 89 ટકા વરસાદ નોંધાયો છે. ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ જરૂૂરી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોનાં હિતો રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આપત્તિના સમયે સરકાર તેમની પડખે ઊભી રહેશે અને જરૂૂરી તમામ મદદ તથા સહાય પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.
મહારાષ્ટ્રમાં તાલુકાના ધોરણે, ગુજરાતમાં જિલ્લાના ધોરણે દુષ્કાળ
ગુજરાત સરકારે આજે માત્ર 4 જિલ્લાને દૂષ્કાળ ગ્રસ્ત જાહેર કરતા ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં ત્યાં તાલુકાના ધોરણે દૂષ્કાળ જાહેર કરાયો છે અને 358માંથી 305 તાલુકા દૂષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતોમાં નારાજગી ફેલાયેલ છે. સરકારે 4 જિલ્લાને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાયનું જે ધોરણ જાહેર કર્યુ છે. તેની સામે પણ ખેડૂતોમાં રોષ છે. આગામી દિવસોમાં દૂષ્કાળનો મુદ્દો વધુ ગરમાય તેવી શકયતા છે.
