રાજકોટ નજીક સરધાર પાસે સુકી સાજડીયાળી ગામ તરફ જવાના રસ્તે આવેલી નદીમાં ડૂબી જવાથી મનુભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉંમર વર્ષ 45) અને તેમના નાના બહેન શાંતુબેન (ઉંમર વર્ષ 40, રહેવાસી સરધાર ગામ) નું મોત નીપજ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, મૃતક શાંતુબેનના છૂટાછેડા થયા બાદ તેઓ ઘણા સમયથી સરધાર ગામે રહેતા તેમના મોટા ભાઈ મનુભાઈ (જેઓ અપરિણીત હતા) સાથે રહેતા હતા. સાંજના સમયે તે ભાઈ સાથે સુકી સાજડીયાળી ગામ પાસે આવેલી નદીમાં કપડાં ધોવા માટે ગયા હતા.
શાંતુબેન જ્યારે કપડાં ધોતા હતા તે વખતે મોટાભાઈ મનુભાઈ નદીમાં ન્હાવા પડ્યા હતા. થોડીવાર બાદ તેઓ ડૂબવા લાગ્યા હતા. ભાઈને ડૂબતો જોઈ બહેને તેને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને ડૂબી ગયા હતા.આ સમયે ત્યાંથી પસાર થતાં ખેડૂતે બંનેને ડૂબતા જોઈ તુરંત જ અન્ય લોકોને જાણ કરી હતી, જેના કારણે પરિવારજનો અને ગામના લોકો એકઠા થઈ ગયા હતા. તેમાંથી કોઈએ જાણ કરતાં ઘંટેશ્વર-1ના SDRFની ટીમના પીએસઆઇ આર.એ.ચુડાસમા અને તેમની ટીમ સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.કાકાના પુત્ર પ્રકાશે 108 બોલાવી હતી, જેના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
