જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને ’શક્તિ સ્પંદન 2026’માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. તેણે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાનો વિરોધ કરી કહ્યું હતું કે, ત્યાં ફક્ત ગરબાના નામે બિઝનેસ ચાલે છે.
તેણે જણાવ્યું કે, ‘પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો, જેણે પોતાના એક મહિનાના રોઝાની પરંપરાગત ઉજવણીની સરખામણી કરતાં જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાર્ટી પ્લોટોમાં અનેક ખોટા કામો થાય છે અને લોકોના દિવસો બગડે છે, જે સાંભળીને દિલ દ્રવી ગયું હતું અને હું તેનો કોઈ જવાબ આપી શક્યો ન હતો. આ જ કારણોસર મેં પાર્ટી પ્લોટનો સખત વિરોધ કરીને ત્યાં ન જવાની પ્રતિજ્ઞા લીધી છે.
પાર્ટી પ્લોટમાં અજાણ્યા લોકો વચ્ચે ઝઘડા તથા સિક્યુરિટીના પ્રશ્નો ઊભા થાય છે. ખરેખર ગરબા રમવા હોય તો પરિવાર અને પોતાના લોકો સાથે રમીને એકબીજાને ઓળખવા જોઈએ, જ્યાં કોઈ ટિકિટ કે સુરક્ષાની ચિંતા વિના સવાર સુધી નિરાંતે ગરબા રમી શકાય છે.’
સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અભય શુક્લાએ વહીવટીતંત્રને આગ્રહ કર્યો હતો કે પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર ’પાર્ટી’ કરી દેવું જોઈએ. વાસ્તવિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે દરેક સોસાયટીઓમાં રહીશોએ સાથે મળીને પ્રાચીન ગરબાનું આયોજન કરવું અનિવાર્ય છે.
જૂનાગઢની પવિત્ર ધરતી પર વણિક સમાજ દ્વારા યોજાયેલા પ્રાચીન ગરબાના આયોજનને તેણે ખૂબ બિરદાવ્યું હતું અને પોતાના લોકોની વચ્ચે જ ગરબા રમવાનો આગ્રહ રાખ્યો હતો.
માતાઓ અને બહેનોને વિનંતી કરતા એક્ટેર જણાવ્યું કે દીકરીઓ જ્યારે પાર્ટી પ્લોટમાં આધુનિક ડ્રેસ પહેરીને જાય છે ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂૂરી છે. લોકો સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રશ્નો પૂછતા હોવાથી ડ્રેસિંગ સેન્સમાં યોગ્ય બદલાવ આવવો જોઈએ. એક્ટરે જણાવ્યું કે પોતાની જગ્યા અને ઓળખીતા લોકો વચ્ચે ગરબા રમવાથી જ સાચો ભક્તિભાવ જળવાઈ રહે છે અને માતાજીના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ડી.જે. અને અયોગ્ય ડ્રેસ ઉપર પ્રતિબંધની માંગણી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લગાવેલા પ્રતિબંધોનું ઉદાહરણ આપતાં એક્ટરે માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહેરાતા અયોગ્ય ડ્રેસ અને ડીજે પર કડક પ્રતિબંધ લાગવો જોઈએ. આનાથી મહિલાઓની સુરક્ષા જળવાઈ રહેશે અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ થશે. તેમણે તમામ સમાજને એક થઈને પ્રાચીન ગરબા પરંપરા જાળવી રાખવા અને સાચા ભાવથી નવરાત્રી પર્વની ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું.
