રામોદ ગામે રાજકોટના વકીલ ઉપર હુમલો, પ્રાઇવેટ પાર્ટ ખેંચી માર માર્યો

કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે મહિલાના ફોટા વાયરલ કરવા મામલે રાજકોટના વકીલ ઉપર દંપતી સહીતના 4 શખ્સોએ હુમલો કરી પ્રાઇવેટ પાર્ટ ખેચી લઇ હુમલો કર્યાની ઘટના…

કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે મહિલાના ફોટા વાયરલ કરવા મામલે રાજકોટના વકીલ ઉપર દંપતી સહીતના 4 શખ્સોએ હુમલો કરી પ્રાઇવેટ પાર્ટ ખેચી લઇ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સામું જોવા જેવી સામાન્ય બાબતે ઝગડો થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો, આ મામલે 4 સામે ગુનો નોંધાયો છે.

રાજકોટના રેલનગરમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સાગરભાઈ સુરેશભાઈ ભોણીયા (ઉં.વ. 29) ની ફરિયાદના આધારે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં દિપક મહેશભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, રમાબેન મહેશભાઈ સોલંકી અને દિપકના સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટના વકીલ સાગરભાઈ ભોણીયા ગત તા. 16 ઓક્ટોબરના રોજ રામોદ ગામે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર મનસુખભાઈ રાઠોડના પિતાના અવસાન બાદ યોજાયેલ બેસણા અને ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને પોતાના મામાના ઘરે રોકાયા હતા. ત્યારબાદ 17 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ મામાના ઘરની બહાર બેઠા હતા.

તે સમયે તેમની જ જ્ઞાતિનો દિપક મહેશભાઈ સોલંકી (રહે. હાલ જેતપુર) ત્યાંથી પસાર થતાં, “તું મારી સામે કેમ જોવે છે?” તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. ફરિયાદીએ પોતાને કોઈ લેવાદેવા ન હોવાનું કહેતા દિપક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ફોર-વ્હીલર ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી સાગરભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન દિપકના માતા રમાબેન સોલંકી, પિતા મહેશભાઈ સોલંકી અને તેમના સસરા પણ ત્યાં ધસી આવ્યા હતા. રમાબેને સાગરના ગુપ્ત ભાગે પકડી ખેંચી મુંઢ ઈજા પહોંચાડી હતી, જ્યારે મહેશભાઈએ લાકડાના ધોકા વડે ફરીથી પગમાં ઘા માર્યો હતો. તેમજ દિપકના સસરાએ સાગરભાઈની બોચી પકડી પછાડી મુંઢ માર માર્યો હતો. સાગરભાઈએ બૂમાબૂમ કરતા તેમના મામા કિશોરભાઈ અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેથી તમામ આરોપીઓ પોતાની ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત વકીલને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદી સાગરભાઈએ જણાવ્યું હતું કે, આશરે ત્રણેક વર્ષ પહેલા દિપક સોલંકીએ તેમની પત્નીના ફોટા વાયરલ કર્યા હતા, જે તે સમયે જ્ઞાતિના આગેવાનો વચ્ચે રહીને સમાધાન થઈ ગયેલ હતું. જોકે, તે બાબતનો ખાર રાખીને રામોદ ખાતે માતાજીના મઢે આવેલા આરોપીઓએ એકસંપ થઈ આ હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે આરોપી દિપક મહેશભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, રમાબેન મહેશભાઈ સોલંકી અને દિપકના સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર બી.સી.સોલંકીને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *