રામોદમાં ગેરકાયદે વીજજોડાણને કારણે કરંટ લાગતા PGVCLના કર્મચારીનું મોત

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની સીમમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન એક અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી છે. રામોદ ગામે ખેતીવાડી વીજ ફીડરમાં અચાનક પાવર આવી…

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામની સીમમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન એક અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી છે. રામોદ ગામે ખેતીવાડી વીજ ફીડરમાં અચાનક પાવર આવી જતાં લાઈન રિપેરિંગ કરી રહેલા એક શ્રમિક વીજ કર્મચારીનું વીજ શોક લાગવાથી ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સ્થાનિક કારખાનાના માલિકે પોતાના સ્વાર્થ માટે કરેલા ગેરકાયદે અને જોખમી વીજ જોડાણના કારણે આ માનવસર્જિત હોનારત સર્જાઈ હતી.

મળતી વિગતો અનુસાર, ગત 1 ઓક્ટોબર 2026ના રોજ રામોદ સબ-સ્ટેશન હેઠળના રામપરા ખેતીવાડી ફીડરમાં આવેલ ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી ચાલી રહી હતી. પીજીવીસીએલનાં વર્ક ઓર્ડર મુજબ નિયમ અનુસાર સવારે 11:50 વાગ્યે લાઈન ક્લિયર લઈને પાવર સપ્લાય સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટના માણસો લાલસિંગભાઈ સબુરભાઈ પલાસ (ઉં.વ. 49, મૂળ રહે. દાહોદ) તથા અન્ય કર્મચારીઓ દ્વારા ટ્રાન્સફોર્મર બદલીને ડ્રોપ આઉટ ફ્યુઝ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બપોરે આશરે 12:25 વાગ્યાના સુમારે અચાનક લાઈનમાં પાવર આવી જતાં લાલસિંગભાઈને જમણા હાથે જોરદાર વીજ શોક લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું.

બનાવ બાદ પીજીવીસીએલના નાયબ ઈજનેર દીપકકુમાર ધ્રાંગા તથા જુનિયર ઈજનેરોની ટીમ દ્વારા સ્થળ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે સબ-સ્ટેશનમાંથી ખેતીવાડી ફીડર બંધ જ હતા, પરંતુ રામોદ જ્યોતિગ્રામ ફીડર ચાલુ થતાં જ આ ઘટના બની હતી. વધુ તપાસમાં રામોદ રોડ પર આવેલી ‘ન્યાયલ કરણ ઇન્ડસ્ટ્રીઝ’ ખાતેથી ગંભીર બેદરકારી સામે આવી હતી.

ઇન્ડસ્ટ્રીઝના માલિક ગોરધનભાઈ ગોવિંદભાઈ રામાણીએ વધુ સમય વીજળી વાપરવાના હેતુથી પોતાની ઇન્ડસ્ટ્રીઝના કનેક્શનમાંથી ચેન્જ ઓવર સ્વિચ અને 3-કોર વાયર દ્વારા પોતાના ખેતીવાડી કનેક્શન સાથે ગેરકાયદેસર વીજ જોડાણ કર્યું હતું. આ ખતરનાક ગોઠવણને કારણે જ્યોતિગ્રામ ફીડરનો પાવર રિવર્સ થઈને ખેતીવાડી ફીડરમાં પહોંચી ગયો હતો. આ ગંભીર અને જીવલેણ બેદરકારી બદલ કોટડા સાંગાણી પીજીવીસીએલના નાયબ ઈજનેર દીપકકુમાર ધ્રાંગાની ફરિયાદના આધારે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ન્યાયલ કરણ ઇન્ડસ્ટ્રીઝના માલિક ગોરધનભાઈ ગોવિંદભાઈ રામાણી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *