સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરની સમસ્યા જાણે બારેમાસનો સળગતો પ્રશ્ન બની ગઈ હોય તેમ સામાન્ય નાગરિકો બાદ હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ગેસ રિફિલ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની રજૂઆત સામે આવી છે. ગેસ સિલિન્ડરની સમયસર રિફિલ ન મળવાને કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સાવરકુંડલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા તેઓ દરરોજ સવારે 10:30થી સાંજે 5:15 વાગ્યા સુધી શાળામાં હાજર રહી શૈક્ષણિક અને વહીવટી કામગીરી બજાવે છે. આગામી દિવસોમાં પરીક્ષાઓ પણ શરૂૂ થવાની હોવાથી શિક્ષકો માટે શાળાની ફરજ દરમિયાન ગેસ એજન્સીની ઓફિસે જઈને લાંબી લાઈનમાં ઊભા રહેવું મુશ્કેલ બની રહ્યું છે.શિક્ષકોની રજૂઆત મુજબ, તેમના ગેસ કનેક્શન સાવરકુંડલાની એરો ગેસ એજન્સી સાથે જોડાયેલાં છે. છેલ્લા એક મહિનાથી ગેસ સિલિન્ડર મેળવવા માટે ફોન દ્વારા બુકિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ફોન ઉપાડવામાં આવતા નથી. ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદ પણ બુકિંગ રદ થઈ જતું હોવાની ફરિયાદ છે.
ઓનલાઇન નાણાં ચૂકવ્યા હોવા છતાં કેટલાક શિક્ષકોને અત્યાર સુધી ગેસ સિલિન્ડરની રિફિલ મળી ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમસ્યાના ઉકેલ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, સાવરકુંડલાના પ્રમુખ દ્વારા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને બે-ત્રણ દિવસમાં ગેસ સિલિન્ડર મળી રહે તેવી વ્યવસ્થા કરાવવા અથવા ગેસ સિલિન્ડર ન મળે ત્યાં સુધી એજન્સીની ઓફિસે જઈ લાઈનમાં ઊભા રહી શકે તે માટે ઓન-ડ્યુટી લીવ મંજૂર કરવાનો હુકમ કરાવવા માંગ કરવામાં આવી છે.
