મા તે મા, બીજા વગડાના વા : પ્રેમી સાથે લગ્નમાં નડતરરૂપ વ્હાલના દરિયા સમાન દીકરીને માતાએ જ મોતને ઘાટ ઉતારી

શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ચકચાર મચાવતી ઘટના બની હતી. અહિ સી-વિંગમાં પાંચમાં માળેથી બે વર્ષની એક ફૂલડા જેવી…

શહેરના કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં ચકચાર મચાવતી ઘટના બની હતી. અહિ સી-વિંગમાં પાંચમાં માળેથી બે વર્ષની એક ફૂલડા જેવી બાળાને ફેંકી દઇ હત્યા નીપજાવાઇ હતી. આ બાળાના પિતા સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહે છે. માતા-પિતા વચ્ચે મનમેળ ન હોઇ માતા એક વર્ષથી રિસામણે આવી હોઇ બાળા માતા, નાના-નાની, મામા-મામી સાથે અહિ રહેતી હતી. સાંજે તે નાનાના પાંચમા માળના ફલેટથી છઠ્ઠા માળે રહેતાં પરિવારની બાળકી સાથે રમવા જવા માટે ઘરમાંથી નીકળી એ પછી આ ઘટના બની હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની ટીમે આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે, જે હકિકત સામે આવી હતી જે જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ માસુમ દિકરીની હત્યા ખુદ તેની જ માતા પૂનમે કરી હોવાનું ખુલ્યું છે.બીજા લગ્ન કરવામાં દિકરી આડે ન આવે અથવા તો તેને બીજા ઘરમાં સરખી રીતે રખાશે નહિ એવું લાગતાં જનેતા જ જીવલેણ બની હોવાનું ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ કુવાડવા રોડ ડી માર્ટ પાછળ સી-વિંગમાં પાંચમા માળે ફ્લેટ નં. 504માં રહેતાં જગદીશભાઇ બાબુભાઇ પરસોડાની દોહીત્રી (દિકરીની દિકરી) સ્નેહલ સંજયભાઈ વશરામભાઇ સાકરીયા (ઉં.વ.2 વર્ષ 4 મહિના)નું 12મીએ સાંજે પાંચમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. સાંજે સાતેક વાગ્યે આ ઘટના જાહેર થતાં સમગ્ર ટાઉનશીપમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ ચારેક ફુટ જેવી ઉંચી દિવાલ હોઇ આ દિવાલ પર માસુમ બાળકી કોઇ કાળે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઉંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના જગદીશભાઇ, મામા સહિતે દર્શાવતાં ઘટના સ્થળે બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચૌહાણ અને ટીમે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. પ્રથમ નજરે જ હત્યાની ઘટના હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું.

આ ઘટનામાં મૃતક બાળાના નાના જગદીશભાઇ પરસોડાએ જણાવ્યું હતું કે-મારી દિકરી પૂનમબેન સંત કબીર રોડ રાજારામ સોસાયટી પાસે શક્તિ સોસાયટીમાં સાસરે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા સંજયભાઇ વશરામભાઇ સાકરીયા સાથે થયા છે. જમાઇ સંજયભાઇ ડાઇવીંગ કરે છે. તેણીને સંતાનમાં એક દિકરી સ્નેહલ હતી. જેની ઉંમર બે વર્ષ અને ચાર મહિના હતી. મારી દિકરી પૂનમબેન અને તેણીના પતિ સંજયભાઈ વચ્ચે મનમેળ ન હોઇ જેથી દિકરી એક વર્ષથી મારા ઘરે શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં મારી સાથે રહેતી હતી.
સોમવારે સાંજે સાતેક વાગ્યે દોહિત્રી સ્નેહલ અમારા ઘરમાંથી ઉપરના માળે રમવા જવા માટે નીકળી હતી. એ પછી થોડી જ મિનીટો બાદ એક બાળક સ્નેહલ પડી ગઇ એવુ કહેવા આવ્યો હતો. અમે દોટ મુકી છઠ્ઠા માળ તરફ ગયા ત્યારે ખબર પડી હતી કે સ્નેહલ દાદરા પર નથી પડી પરંતુ તે પાંચમા માળેથી નીચે ફેંકાઇ ગઇ છે.આ વિચાર જ અમને ચોંકાવી ગયો હતો. કારણ કે ચાર ફુટથી વધુ ઉંચાઇની દિવાલની પાળી સુધી આવડી નાનકડી બાળકી કોઇપણ સંજોગામાં પહોંચી શકે નહિ.આ જોતાં તેણીને કોઇએ નીચે ફેંકી દીધાની અમને દ્રઢ શંકા ઉદ્દભવી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં સામેલ થઇ હતી. બાળકી ફેંકાઇ ગઇ એ પહેલા તે બે વખત ‘મમ્મી મમ્મી’ બોલી હતી, તેનો અવાજ સાંભળી પોતે બહાર દોડી આવી ત્યારે દિકરી જોવા નહોતી મળી. આ વાત મૃતક બાળકીની મમ્મી પૂનમબેન સંજય સાકરીયાએ પોલીસને કરી હોઇ પોલીસને તેની આ કેફીયત શંકાસ્પદ લાગતાં તેણીને જ સકંજામાં લઇ વિસ્તૃત પુછતાછ આદરી હતી. અંતે તેણીએ આ હત્યા પોતે જ કરી હોવાની કબુલાત આપી હતી. પોતાને પતિથી છુટાછેડા બાદ બીજા લગ્ન કરવા હોઇ તેમાં આ દિકરી નડતરરૂૂપ ન બને તે માટે પાંચમાં માળેથી ફેંકી દીધાનું તેણીએ કબુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. હવે બી-ડિવીઝન પોલીસ તેણીના પતિ સંજય સાકરીયાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી કરશે.

માતાએ પોતાની ભૂલ છૂપાવવા કપડાં,ચપ્પલ નીચે ફેંકાઈ જવાની દૃશ્યમ ફિલ્મ જેવી વાર્તા ઘડી!!!!!

ગુજરાતમાં દૃશ્યમ ફિલ્મની સ્ક્રિપ્ટને પણ ટક્કર મારે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગી જનેતા પૂનમે પોતાની માસૂમ બાળકીને પાંચમા માળના ફ્લેટ પરથી નીચે ફેંકી દીધી હતી. પોતે આ ગંભીર ગુનામાં ક્યાંય પકડાઈ ન જાય તે માટે તેણે પાડોશમાં એવો હાઉ ઊભો કર્યો હતો કે સોસાયટીમાં કોઈ અજીબ હરકતો થઈ રહી છે. તેણે પાડોશીઓને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ફ્લેટના પાંચમા માળે રહેતા લોકોના બહાર સૂકવેલા કપડાં, ચાદર, ગોદડાં કે બહાર મૂકેલા ચપ્પલ કોઈ અજાણ્યો શખ્સ નીચે અથવા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દે છે. પોતાની સડોવણી ન થાય તે માટે આ મનઘડંત વાર્તા ઊભી કર્યા બાદ, તેણે નિર્દયતાથી પોતાની જ દીકરીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી અને ત્યારબાદ સોસાયટી સમક્ષ મગરના આંસુ વહાવીને નિર્દોષ હોવાનો ઢોંગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *