બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. આ મેચમાં ભલે કોઈ પરિણામ ન નીકળ્યું, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન લિટન દાસે મેચને પોતાના માટે યાદગાર બનાવી દીધી છે. પોતાના 32માં જન્મદિવસ પર લિટન દાસે ટેસ્ટ ક્રિકેટમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લિટન દાસે બાંગ્લાદેશની પહેલી ઇનિંગમાં 52મી અડધી સદી ફટકાર્યા બાદ બીજી ઇનિંગમાં 102 રન ફટકારી સદી બનાવી હતી.
આ ઉપરાંત લિટને વિકેટકીપિંગમાં બાંગ્લાદેશ માટે વિકેટ પાછળ 9 શિકાર પણ કર્યા. આમ લિટન દાસ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલો એવો વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે, જેણે એક મેચમાં સદી ફટકારવાની સાથે 9 બેટ્સમેનને ડિસમિસ કર્યા હતા. મેદાન પર આ ખાસ ઉપલબ્ધિ સાથે લિટને પોતાના જન્મદિવસને યાદગાર બનાવી દીધો. લિટન દાસને દમદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો.
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ રોમાંચક અંદાજમાં પૂર્ણ થઈ હતી. મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની પહેલી ઇનિંગમાં ટોપ ઓર્ડરના જોરે 346 રનનો સ્કોર ઊભો કર્યો હતો. ટીમ માટે ઇનિંગમાં શાદમાન ઇસ્લામે 67, તંજીદ હસને 83 અને લિટન દાસે 53 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે અફઘાનિસ્તાન તરફથી બોલિંગમાં મોહમ્મદ સલીમ સૈફીએ 4 અને યામીન અહમદજઈએ 3 વિકેટ પોતાના નામે કરી હતી.
