ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજા

શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા…

શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા છતાં તેને અટકાવવાનો કોઈ માર્ગ પોલીસને દેખાતો નથી. ત્યારે વધુ એક બનાવમાં યુનિવર્સિટી રોડ પર સાધુવાસવાણી રોડ ઉપર દર્શન કરીને પરત ફરતા માતા-પુત્રના સ્કુટરને દાંડિયા રમી પરત ફરતા બીબીએના છાત્રની કારે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતાં ચિરાગસિંહ વિજયસિંહ તલાટીયા (ઉ.વ.37) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીડીસી વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે માતા જશુબા (ઉ.વ.70) અને બનેવી વિપુલસિંહ ભાવસિંહ ચાવડા (ઉ.વ.46, રહે. મેનોર એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ) સાથે મનહર પ્લોટમાં આવેલા માઈ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જયાં તેના બનેવી વિપુલસિંહ રોકાઈ ગયા બાદ માતાને એકટીવા પાછળ બેસાડી ઘરે જતા હતા. ત્યારે સાધુ વાસવાણી ટી પોઈન્ટ પર પુરપાટ વેગે ઘસી આવેલી કારે હડફેટે લેતાં બંને દૂર સુધી ફંગોળાતા ગંભીર સિવિલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં જશુબાને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે તેમનો જમણો પગ કપાઈ ગયો હતો.

જયારે ચિરાગસિંહને ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું હતું. ગાંધીગ્રામ-2 પોલીસે તેના બનેવી વિપુલસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર ચાલક રિષી જીતેન્દ્ર રૂૂપારેલીયા (ઉ.વ.20, રહે. શિવાલીક એપાર્ટમેન્ટ, કેકેવી હોલ પાસે)ની અટકાયત કરી હતી. તેની સાથે કારમાં તેનો મિત્ર અને ત્રણ યુવતી મળી કુલ પાંચ જણા હતા. આ પાંચેય અવધ પાસેની હોટલમાં ડીસ્કો દાંડીયા રમી ઘરે જતા હતા. રિષી બીબીએમાં અભ્યાસ કરે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જીવલેણ અકસ્માતની ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *