ગુજરાત અને મહારાષ્ટ્રમાં 14 એટીએમમાં ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ સેન્ટરોને નિશાન બનાવી ગ્રાહકો સાથે ઠગાઈ તથા ચોરી આચરતી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એક શાતિર ગેંગનો રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં એટીએમ સેન્ટરોને નિશાન બનાવી ગ્રાહકો સાથે ઠગાઈ તથા ચોરી આચરતી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની એક શાતિર ગેંગનો રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી છે. આ ગેંગ એટીએમના કેશ ડિસ્પેન્સર બોક્સમાં અનોખી તકનીકનો ઉપયોગ કરી રોકડ રકમ અટકાવી દેતી હતી અને ગ્રાહક ચાલ્યો ગયા બાદ નાણાં તારવી લેતી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આ આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડી ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં આચરેલી 14 ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ત્રણ અફસારઅહમદ રિયાસતઅલી (ઉંમર વર્ષ 23) અરબાઝ ફૈયાઝઅહમદ (ઉંમર વર્ષ 27) અને સાહિદખાન મોહમદસલીમ (ઉંમર વર્ષ 26)ને ઝડપી લઇ તેમની પાસેથી ચોરીમાં વપરાતી એલ્યુમીનીયમની 4 પટ્ટીઓ અને રોકડ રકમ એક વેગનઆર કાર ફાઈબરની રિંગ મળી કુલ રૂૂ. 4.45 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ ટોળકી ખૂબ જ ચાલાકીપૂર્વક ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓ એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી તેના કેશ ડિસ્પેન્સર બોક્સમાં સૌથી પહેલા એક ફાઈબરની રિંગ ફિટ કરી દેતા હતા. આ રિંગની વચ્ચે આશરે એક ફૂટ લંબાઈની એલ્યુમીનીયમની પટ્ટી લગાવી દેવામાં આવતી હતી. જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવતો, ત્યારે એટીએમ સ્ક્રીન પર તમામ પ્રોસેસ પૂર્ણ થઈ જતી હતી અને ખાતામાંથી રકમ કપાઈ જતી હતી. પરંતુ, કેશ ડિસ્પેન્સર બોક્સ પર એલ્યુમીનીયમની પટ્ટી લગાડેલી હોવાના કારણે કેશ બહાર નીકળી શકતી ન હતી અને અંદર જ ફસાઈ જતી હતી.

ગ્રાહકને ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું લાગતાં કે નાણાં ન નીકળતા તે એટીએમ સેન્ટર છોડીને ચાલ્યો જતો હતો. ગ્રાહક બહાર નીકળતાં જ એટીએમ નજીક જ રેકી કરી રહેલા આ ગેંગના સભ્યો તુરંત અંદર પ્રવેશતા હતા અને એલ્યુમીનીયમની પટ્ટી દૂર કરી ફસાયેલી રોકડ રકમ ઉપાડીને ફરાર થઈ જતા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી છે કે તેઓ છેલ્લા બે માસથી ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં સક્રિય હતા. આ ટોળકીએ મુંબઈ, મહેસાણા, અમદાવાદ, સુરતના જુદા-જુદા વિસ્તારો તેમજ રાજકોટમાં બે સ્થળોએ એટીએમમાંથી નાણાંની ચોરી કરી હતી. હાલ પ્રાથમિક તપાસમાં જ આ ગેંગે 14 જેટલા એટીએમમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં આરોપી અરબાઝખાન ’ડેન્જર પર્સન’ની વ્યાખ્યામાં આવે છે અને તેના વિરૂૂદ્ધ ઉત્તર પ્રદેશમાં ગેંગસ્ટર એક્ટ તથા એન્ટી સોશિયલ એક્ટિવિટી હેઠળ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, ગુજરાતમાં રાજકોટના ભક્તિનગર અને માલવીયાનગર પોલીસ મથક તેમજ મહેસાણામાં પણ આ ગેંગ વિરૂૂદ્ધ ગુના દાખલ થઈ ચૂક્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણા તથા એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, મહેશભાઈ સોલંકી, તુલસીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, સુભાષભાઇ ધોધારી, ભાનુભાઈ ધાંધલા,ધર્મેન્દ્રભાઈ કુંચાલા, સંજયભાઈ અલગોતર, સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, નિકુંજભાઈ મારવીયા, ધર્મરાજસિંહ રાણાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *