જૂનાગઢમાં કામ પર ગયેલી યુવતીનું શંકાસ્પદ મોત

જૂનાગઢમાં નોકરી પર ગયેલી એક યુવતીનું કામ દરમિયાન અચાનક ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું હતું. રાજા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કામ કરતી નિશા મહેતા નામની…

જૂનાગઢમાં નોકરી પર ગયેલી એક યુવતીનું કામ દરમિયાન અચાનક ઝેરી દવા પીધા બાદ મોત નીપજ્યું હતું. રાજા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં કામ કરતી નિશા મહેતા નામની યુવતી અચાનક ઢળી પડતાં અને તેને ઉલટીઓ થવા લાગતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં પરિવારજનોમાં શોક સાથે રોષ ફેલાયો છે. યુવતીના પરિવારે ઓફિસના સંચાલક (શેઠ) સામે ગંભીર શંકાઓ વ્યક્ત કરી ટોર્ચરિંગ અથવા જબરદસ્તી ઝેરી દવા પીવડાવી હોવાના આક્ષેપો કરતાં પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

મૃતક યુવતીના ભાઈ પાર્થ મહેતાએ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમની બહેન નિશા મહેતા દરરોજ સવારે 8 વાગ્યે નોકરીએ જતી હતી. આજે સવારે આશરે 10.30થી 10.45 વાગ્યાની આસપાસ તેના શેઠ તરફથી ફોન આવ્યો હતો કે નિશા નીચે પડી ગઈ છે, તેની તબિયત એકાએક લથડી છે અને તેને ઉલટીઓ થઈ રહી છે. પરિવારે તાત્કાલિક પહોંચીને તપાસ કરતાં સમગ્ર મામલામાં અનેક શંકાસ્પદ વિગતો સામે આવી હતી.

ભાઈ પાર્થ મહેતાએ આક્ષેપ કર્યો હતો કે, નિશાએ કઈ દવા પીધી તે અંગે શરૂૂઆતમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ઓફિસમાંથી પહેલાં નિશાને તેના પિતાના ઘરે મોકલવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવાઈ હતી. ડોક્ટર પાસે પહોંચ્યા બાદ અન્ય જગ્યાએથી નંબર મેળવીને આશરે પોણોથી એક કલાક પછી ભાઈને જાણ કરવામાં આવી હતી.

પરિવારે સવાલ ઉઠાવ્યો છે કે, સવારે 8 વાગ્યાથી લઈને 10.30 વાગ્યા સુધી ઓફિસમાં એવું શું બન્યું કે નિશાની આવી હાલત થઈ? શું તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, કે પછી કોઈએ જબરદસ્તીથી તેને ઝેરી દવા પીવડાવી દીધી હતી? શેઠે સીધો પરિવારનો સંપર્ક કરવાને બદલે વિલંબ કેમ કર્યો, તે અંગે પણ પરિવારે તંત્ર સમક્ષ ખુલાસો માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *