રાજકોટ શહેરના જામનગર રોડ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પાડોશમાં જ રહેતા એક નેપાળી દંપતીએ માત્ર 14 વર્ષની માસૂમ સગીર વયની દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરી શરમજનક કૃત્ય આચર્યું હતું. આ મામલે સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દોડી જઈ આપવીતી જણાવતા પોલીસે તુરંત જ ગુનો નોંધી આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પતિ-પત્નીએ મળીને સગીરાનું અપહરણ કરી કારમાં બીભત્સ અડપલાં પણ કર્યા હતા અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર રોડ પર રહેતા અને મૂળ નેપાળના વતની એવા પરિવારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની પાડોશમાં મૂળ નેપાળનું જ આરોપી મહેશસિંગ નેપાળી અને તેની પત્ની મંજુ નેપાળી (રહે. ભોમેશ્વર) રહેતાં હતાં. પાડોશીના સંબંધે 14 વર્ષની સગીરા અવારનવાર આ દંપતીના ઘરે જતી-આવતી હતી. દરમિયાન ગત તા.05-07 થી તા.24-07 ના સમયગાળામાં સગીરાના માતા-પિતા કોઈ કામ અર્થે વતનમાં ગયા હતા. તે સમયે આરોપી પત્ની મંજુએ કાવતરું ઘડી માસૂમ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. જ્યાં પત્નીની હાજરીમાં જ નરાધમ પતિ મહેશસિંગે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ રીતે આ સમયગાળા દરમિયાન મંજુ સગીરાને ઘરે બોલાવતી અને મહેશસિંગ તેની હાજરીમાં જ ત્રણ વખત બળજબરીથી સગીરાનું શીયળ લૂંટતો હતો.
આટલેથી ન અટકતા, આ દંપતીએ સગીરાનું પોતાના ઘરેથી કારમાં બેસાડીને ધરાર અપહરણ પણ કર્યું હતું. કાર ચલાવતી વખતે આરોપી મહેશસિંગે 14 વર્ષની સગીરાને પોતાના ખોળામાં બેસાડીને તેના શરીરે અડપલાં કર્યા હતા. આ શરમજનક અને નિર્લજ્જ કૃત્ય સમયે પત્ની મંજુ કારની પાછળની સીટમાં બેસીને પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરી રહી હતી. પોતાના જ પાડોશી અને દેશી-ભાઈઓ સમજીને જેમના પર વિશ્વાસ મૂક્યો હતો તે દંપતીએ જ માસૂમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી નરાધમતાની તમામ સરહદો વટાવી દીધી હતી.
આ કાળો કારનામો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપી મહેશસિંગ અને તેની પત્ની મંજુ વચ્ચે કોઈ બાબતે તીવ્ર ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મંજુ રિસામણે પોતાના માવતર મધ્યપ્રદેશ જતી રહી હતી. જે બાદ ગત તા.01 ના રોજ મંજુએ સગીરાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિ મહેશસિંગ દ્વારા તેની બહેનની જાતીય સતામણી કરતો વિડીયો તેની પાસે છે. મંજુએ આ વિડીયો સગીરાના ભાઈને મોકલતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. વિડીયો જોયા બાદ પરિવારે દીકરીની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી તમામ આપવીતી વર્ણવી હતી.
સગીરાની પરિણીત મોટી બહેનને પણ ભગાડી ગયો,પોલીસના મુંબઈમાં ધામા
આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સગીરાની મોટી બહેન પોતાના પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા ત્રણ માસથી માવતરે રિસામણે આવીને રહેતી હતી. નરાધમ મહેશસિંગે આ મોટી બહેનને પણ પોતાની જાળમાં ફસાવી ગત તા.01-10 ના રોજ તેને ભગાડીને નાસી છૂટ્યો હતો. જે અંગે પરિવારે ગુમસુદાની નોંધ પણ કરાવી હતી. પતિ પોતાની જ પાડોશી પરિણિતાને ભગાડી ગયો હોવાની જાણ થતાં જ પત્ની મંજુએ બદલો લેવા સમગ્ર દૂષ્કર્મ અને વિડીયોનો ભાંડો ફોડી દીધો હતો. ગાંધીગ્રામ પીઆઈ એચ.પી.ગઢવી સમક્ષ પરિવારજનોએ ઘટના વર્ણવતા પોલીસે પોકસો, દુષ્કર્મ અને અપહરણની આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી મહેશસિંગને પકડવા માટે મુંબઈમાં ધામા નાખ્યા છે.
