ઇમીટેશન ધંધામાં માસિક 10 થી 15 ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપી જસદણના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જસદણ પોલીસ સ્ટેશનમાં રાજકોટના સેટેલાઇટ ચોક વિસ્તારમાં રહેતા પિતા અને તેમના બે પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, જસદણ ખાતે ન્યૂ બસ સ્ટેન્ડ સામે, કોટડીયા હોસ્પિટલ પાછળ આવેલી વૃંદાવન સોસાયટીના રહેવાસી અને મોબાઇલ સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા ભાવિકભાઈ ધીરૂૂભાઈ હીરપરા (ઉં.વ. 33) નામના વેપારીએ આ અંગે સેટેલાઇટ ચોક, રાજકોટ રહેતા અશોક મોહન મોલિયા, નિકુંજ અશોક મોલિયા,પ્રતીક અશોક મોલિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આશરે પાંચ વર્ષ પૂર્વે ફરિયાદી ભાવિકભાઈ તેમના બહેનના ઘરે કૌટુંબિક પ્રસંગમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત અશોક મોહન મોલિયા સાથે થઈ હતી. અશોક મોલિયાએ પોતાના બે પુત્રો નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયા ઇમીટેશનનો મોટો વેપાર કરતા હોવાનું જણાવી તેમાં રોકાણ કરવાથી 10 થી 15 ટકા પ્રોફિટ મળવાની ખાતરી આપી હતી.
કોરોના કાળ દરમિયાન ફરિયાદી બીમાર પડતાં આરોપીઓએ હોસ્પિટલ ખાતે દવાની વ્યવસ્થા કરી આપીને ફરિયાદીનો ગાઢ વિશ્વાસ સંપાદિત કર્યો હતો. આ સંબંધોનો ગેરલાભ ઉઠાવી આરોપીઓએ ફરિયાદીને ઈમીટેશનના ધંધામાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. ભાવિકે શરૂૂઆતમાં રૂૂ. 21 લાખ રોકડા આપ્યા હતા.ત્યારબાદ વધુ રોકાણની માંગણી કરાતાં આંગડિયા મારફતે રૂૂ. 86.04 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે પ્રથમ તબક્કે રૂૂ. 1.07 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આરોપીઓએ ઈમીટેશન મેટલનો કાચો માલ સસ્તો મળી રહ્યો હોવાનું બહાનું બતાવી વધુ એક કરોડ રૂૂપિયાની માંગણી કરી હતી. જેથી ફરિયાદી ભાવિકભાઈએ જસદણ સ્થિત પોતાના મકાન પર બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂૂ.1 કરોડની હોમ લોન મેળવીને તે રકમ આરોપીઓને ફેક્ટરી ખાતે રૂૂબરૂૂ આપી હતી.
ત્યારબાદ ભાવિકે પોતાના પિતા, કુટુંબી કાકાઓ પ્રેમજીભાઇ હીરપરા, જીવણભાઇ હીરપરા, છગનભાઈ હીરપરા તથા અન્ય સગા-સંબંધીઓ પાસેથી નાણાં એકત્રિત કરી રૂૂ.97.96 લાખ અશોક મોહન મોલિયા,નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયાને કટકે-કટકે આપ્યા હતા. આમ, ફરિયાદી પાસેથી કુલ રૂૂ.3,05,00,000 મેળવી લેવામાં આવ્યા હતા. રોકાણ કર્યા બાદ ફરિયાદીએ જ્યારે નફાની રકમ અને મૂડી પરત માગી ત્યારે આરોપીઓએ ત્રણ મહિનામાં મકાનની લોન ભરાઈ જશે તેવા ખોટા વાયદાઓ કર્યા હતા. ફેબ્રુઆરી 2025 માં જ્યારે ફરિયાદીએ નાણાં માટે કડક ઉઘરાણી કરી ત્યારે મુખ્ય આરોપી નિકુંજ મોલિયા ઘરેથી ભાગી ગયો હોવાનું નાટક રચવામાં આવ્યું હતું.
ત્યારબાદ કોઠારીયા રોડ પર આવેલી હોટેલ ખાતે યોજાયેલી એક બેઠકમાં નાણાં પરત આપવાને બદલે આરોપી નિકુંજ મોલિયાએ ફરિયાદીને ધમકી આપતાં જણાવ્યું હતું કે, “જો હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો હું દવા પી લઈશ અને તમને મારી નાખીશ.” આ પ્રકારની માનસિક અને શારીરિક ધમકીઓને કારણે ફરિયાદી ભયભીત થઈ ગયા હતા.
પ્રારંભમાં ફરિયાદીએ આજીડેમ પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ આરોપીઓ છટકબારી શોધતા હોવાથી આખરે ફરિયાદીએ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ મામલાની ગંભીરતા જોઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. જસદણ પોલીસે અશોક મોહન મોલિયા નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયા સામે ગુણો નોંધ્યો હતો. પી.આઈ જે. પી. ગોસાઈ અને તેમની ટીમે આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને નાણાકીય લેવડદેવડના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વેપારી ઉઘરાણી કરે ત્યારે ડરાવવા ભેજાબાજ પિતા-પુત્રોએ અવનવા ગતકડા અપનાવ્યા
મોબાઇલ સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા ભાવિકભાઈ ધીરૂૂભાઈ હીરપરાને ઉચા વળતરની લાલચ આપી અશોક મોહન મોલિયા નિકુંજ અશોક મોલિયા અને પ્રતીક અશોક મોલિયાએ વધુને વધુ રકમનું રોકાણ કરાવ્યું હતું. ભાવિકે જયારે વળતરની માંગ કરી ત્યારે નિકુંજ મોલીયાએ કહેલ કે, થોડો સમય તમે રાહ જોવો 3 મહીનાની અંદર તમારી લોન ભરાઇ જાય તેટલો નફો થશે એટલે આપણે તમારા મકાનની લોન ભરી દેશુ તમે ચિંતા ના કરો તેમ કહી ભરોસો આપેલ હતો. 3 મહીના બાદ જયારે ભાવિકે જયારે અશોક મોલીયાને ફોન કરેલ તો તેઓએ કહેલ કે, નિકુંજ ઘરેથી કોઇને કહ્યા વગર ભાગી ગયેલ છે, જેનો ફોન બંધ આવે છે. બાદ એક વાર રાત્રે ચાર વાગ્યે અશોક મોલીયાનો ફોન આવેલ અને કહેલ કે, નિકુજ મળી ગયો છે તે જુનાગઢ છે, તે આવે એટલે તમોને હું કહુ ત્યા આવજો જેથી આપણે પૈસા બાબતની વાત કરી લઈશુ. બાદમાં અશોકના જમાઈ કોઠારીયા રોડ પર આવેલ સંજયભાઈ કોરાટની તપ્સી હોટલે મીટીંગ કરી હતી.ત્યારે આ નિકુંજ મોલીયાએ પૈસા સ્વિકારેલ હતા. નિકુંજ મોલીયાએ હવે પછી જો પૈસાની ઉઘરાણી કરશો તો હું આપઘાત કરી લઈશ તેવી ધમકી આપતા ભાવિક ડરી જતાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
