PTCમાં હવે 30 વર્ષની ઉંમર સુધી પ્રવેશ, EWSને 10 ટકા અનામત

રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી…

રાજ્યમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે સક્ષમ અને તાલીમબદ્ધ શિક્ષકો ઉપલબ્ધ થાય તે દિશામાં ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલ અધ્યાપન મંદિરની પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશના નિયમોમાં મહત્વના સુધારા કર્યા છે.રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા આ સુધારા મુજબ રાજ્યમાં આવેલી પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ સમાવેશી, સુગમ અને સમયાનુકૂળ બનાવવામાં આવી છે.આ સુધારા દ્વારા કરવામાં આવેલો સૌથી મહત્વના નિર્ણયોમાં પ્રી-પીટીસી કોલેજોમાં પ્રવેશ માટેની બેઠકોમાં વધારો, પ્રવેશ માટેની વયમર્યાદા 5 વર્ષ વધારી 30 વર્ષ કરવાનો અને EWS તેમજ દિવ્યાંગો માટે અનામત આપવાનો સમાવેશ થાય છે.

અગાઉ વર્ગદીઠ 50 બેઠકોની મંજૂર ક્ષમતા સામે હવે 25 ટકા વધારા સાથે કુલ 62 બેઠકો કરવામાં આવી છે.આથી તાલીમ મેળવવા ઇચ્છતા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે અને રાજ્યમાં ગુણવત્તાયુક્ત બાળ શિક્ષણ માટે તાલીમબદ્ધ માનવબળનો વ્યાપ વધશે.સુધારેલા પ્રવેશ માળખા અનુસાર SEBC માટે 27 ટકા અનામત હેઠળ 17 બેઠકો,અનુસૂચિત જાતિ માટે 7 ટકા હેઠળ 4 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 ટકા હેઠળ 9 બેઠકો નક્કી કરવામાં આવી છે.ઓપન કેટેગરીમાં 41 ટકા મુજબ 26 બેઠકો રહેશે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબલ્યુએસ માટે પ્રથમ વખત 10 ટકા મુજબ 6 બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે.કુલ 100 ટકા મુજબ 62 બેઠકો ઉપલબ્ધ રહેશે.આ બેઠક વધારો ખાસ કરીને પ્રી-પીટીસી કોલેજો ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે નોંધપાત્ર તક ઊભી કરશે.

પ્રવેશ માટે ધોરણ-12ની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવેલા હોવા જરૂૂરી રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરાંત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં આવેલા CBSE અને ઈંઈજઊ સહિતના માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરનારા ઉમેદવારોને પણ આ જ પાત્રતા લાગુ પડશે. અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તથા દિવ્યાંગ ઉમેદવારોને ગુણની પાત્રતામાં 5 ટકાની છૂટ આપવામાં આવશે.આ જોગવાઈથી વિવિધ વર્ગના વધુ ઉમેદવારોને પ્રી-પીટીસી કોલેજો શિક્ષણમાં પ્રવેશ મેળવવાની તક મળશે.

સરકારે ઉમેદવારોની ઉંમરને લગતા નિયમોમાં પણ નોંધપાત્ર રાહત આપી છે. અગાઉ પ્રવેશ માટેની મહત્તમ વયમર્યાદા 24 વર્ષ હતી,જેને હવે વધારીને 30 વર્ષ કરવામાં આવી છે.એટલે કે શૈક્ષણિક વર્ષના પ્રારંભે, જે વર્ષના જુલાઈ મહિનાની પ્રથમ તારીખે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.આ સાથે અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS તથા દિવ્યાંગ ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ આપવામાં આવશે.આ સુધારો ખાસ કરીને થોડા વિલંબ બાદ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે ઉપયોગી બનશે. ઉમેદવાર ધોરણ-10 અથવા ધોરણ-12માંથી જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તે પૈકી કોઈપણ માધ્યમની સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. જો કોઈ માધ્યમની બેઠકો ખાલી રહે અને ઉમેદવારે ધોરણ-10 અને ધોરણ-12માં પોતાની મૂળ માધ્યમ સિવાયની ભાષાનો અભ્યાસ કર્યો હોય, તો ઉમેદવારની ઇચ્છા મુજબ અન્ય ભાષાના માધ્યમમાં પણ પ્રવેશ મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *