ગાંધીનગરમાં 100 આર્મીમેન બીમાર, શંકાસ્પદ ડેન્ગ્યુથી 1નું મોત

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે આવેલા અર્ધલશ્કરી દળોના જવાનો માટે ડેન્ગ્યુનો રોગચાળો ગંભીર સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-28 અને 29 ખાતે આવેલા…

રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેવા માટે આવેલા અર્ધલશ્કરી દળોના જવાનો માટે ડેન્ગ્યુનો રોગચાળો ગંભીર સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-28 અને 29 ખાતે આવેલા નવા સરકારી આવાસોમાં ઉતારો આપવામાં આવેલ બીએસએફના જવાનોમાં ડેન્ગ્યુના પ્રકોપે ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં 100થી વધુ જવાનો આ વાહકજન્ય રોગની ઝપેટમાં આવી ચૂક્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, તેમાંથી 43 બીમાર જવાનોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર મેળવી રહેલા CRPFના 29 વર્ષીય જવાન અમલ બર્મનનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા સુરક્ષા દળો અને સ્થાનિક તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગત રાત્રે સારવાર દરમિયાન જવાન અમલ બર્મનની તબિયત અચાનક નાજુક બની ગઈ હતી. તેમને તાત્કાલિક જનરલ વોર્ડમાંથી ઇમરજન્સી વિભાગમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હતી, પરંતુ તે પૂર્વે જ તેમનું કરુણ અવસાન થયું હતું. સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત ડેન્ગ્યુની ગંભીર અસર અથવા કાર્ડિયાક અરેસ્ટથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે વાસ્તવિક કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલાબેને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, અમલ નામનો દર્દી 6ઠ્ઠી તારીખે રાત્રે 9.30 વાગ્યે ઘઙઉમાં સારવાર અર્થે આવ્યો હતો. તેના મેડિકલ રિપોર્ટ્સના આધારે તેને રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજે દિવસે વહેલી સવારે 6 વાગ્યે દર્દીને અચાનક છાતીમાં દુખાવો અને ભારે ગભરામણ થવા લાગી હતી. તબીબો દ્વારા તાત્કાલિક તેનું ઊઈૠ અને કાર્ડિયાક માર્કર કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવારના અંતે સવારે 6.50 વાગ્યે દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને મૃત્યુનું સત્તાવાર કારણ હજુ પેન્ડિંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *