સોની બજારના વેપારીનું 1 કરોડનું સોનું ઓળવી જનાર ઝડપાયો, દેણામાં આવી ગયાનું રટણ

રાજકોટ શહેરના જાણીતા સોની બજાર વિસ્તારમાં અંદાજે ₹1.05 કરોડની કિંમતનું સોનું ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ…

રાજકોટ શહેરના જાણીતા સોની બજાર વિસ્તારમાં અંદાજે ₹1.05 કરોડની કિંમતનું સોનું ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને સોની બજાર સ્થિત ’આર.પી. ઓર્નામેન્ટસ’ નામની પેઢી ધરાવતા સોનાના વેપારી ભાવિકભાઈ જયેશભાઈ શાહે રાજકોટ શહેરના ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્યામ સુરેશ પટની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવેલી વિગતો અનુસાર, ભાવિકભાઈ શાહ બોઘાણી શેરી પાસે આવેલી પોતાની પેઢી ખાતે સોનાનો વેપાર કરે છે. તેઓ છેલ્લા પાંચેક વર્ષથી સોની બજારમાં પેલેસ રોડ પર આવેલી ’એમ/એસ ઓરેએટ’ નામની વેપારી પેઢી સાથે સોની કામનો વ્યવસાય કરતા હતા. આ પેઢી વતી તમામ વહીવટ અમીન માર્ગ પર આવેલી તપોવન સોસાયટીમાં રહેતા શ્યામભાઈ સુરેશભાઈ પટણી કરતા હતા. અગાઉ પણ ભાવિકભાઈ દ્વારા શ્યામભાઈને સોનાના દાગીના બનાવવા માટે સોનું આપવામાં આવતું હતું અને તેઓ સમયસર દાગીના બનાવીને પરત આપી જતા હતા. વર્ષ 2022થી ચાલતા આ સફળ વેપારી વ્યવહારના કારણે બંને વચ્ચે ઊંડો વિશ્વાસ કેળવાયો હતો.

ગત તારીખ 2 સપ્ટેમ્બર 2026ના રોજ ભાવિકભાઈની પેઢીમાંથી શ્યામભાઈ પટણીને ઓર્ડર મુજબ અલગ-અલગ ડિઝાઇનના સોનાના દાગીના બનાવવા માટે 656.810 ગ્રામ સોનું (જેમાં 653.526 ગ્રામ ફાઇન સોનું અને 55.092 ગ્રામ અલોય) આપવામાં આવ્યું હતું. વાઉચર નંબર ઊંઈંજ-95 હેઠળ આપવામાં આવેલા આ સોનાની વર્તમાન બજાર કિંમત આશરે ₹1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) થાય છે. જોકે, નિયત સમય વીતી ગયા બાદ પણ શ્યામભાઈએ દાગીના બનાવીને આપ્યા ન હતા.

ભાવિકભાઈ દ્વારા અવારનવાર સોનું કે તૈયાર દાગીના માંગવામાં આવ્યા હોવા છતાં, આરોપી દ્વારા સતત ખોટા બહાના બતાવીને સમય વિતાવવામાં આવ્યો હતો. આખરે સોનું પરત ન આપી ઓળવી જઈને વિશ્વાસઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થતાં ભાવિકભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બનાવ અંગે ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ચાવડાએ તપાસ સંભાળી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેની ધરપકડ કરી હતી જેમાં શ્યામે જણાવ્યું કે, હું દેણામાં આવી જતાં મે આ સોનું વેંચી દેણું ચુકતે કર્યું હતું. મારી પાસે હાલ એક ગ્રામ પણ સોનું નથી. જો કે પોલીસે હાલ તેમના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *