ગોંડલ ના ભગવતપરા વિસ્તારમાં રહેતા એક યુવકના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના સેવિંગ્સ એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારનાં. ઓટીપી કે લિંક આવ્યા વગર રૂૂ. 60,000 ઉપડી જતાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે સીટી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રેનાં ભગવતપરા, વાછરા રોડ પર આવેલ વી.કે. નગર ખાતે રહેતા અને નોકરી કરતા મયુરભાઈ દિનેશભાઈ સોલંકી (ઉં.વ. 36) નામના યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમનુ એસબીઆઈ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. તેઓ તેમના મોબાઈલમાં ’યોનો SBI’ (YONO SBI) એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.ગત તા. 22/09/2026ના રોજ બપોરે 14:19 વાગ્યે ટ્રાન્ઝેક્શન આઈડી મારફતે રૂૂ. 30,000 અને તા. 23/09/2026ના રોજ બપોરે 15:47 વાગ્યે રૂૂ. 30,000 એમ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂૂ. 60,000 ફરિયાદીની જાણ બહાર, કોઈ પણ OTP કે લિંક વગર UPIથી ટ્રાન્સફર થઈ ગયા હતા. ખાતામાંથી નાણાં ઉપડી ગયાનું માલૂમ પડતાં મયુરભાઈએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા શખ્સ વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) તથા આઈ.ટી. એક્ટની કલમ 66-ડી હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. જે. આર. ઝાલા ચલાવી રહ્યા છે.
