જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો

જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…

જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ચાર નામજોગ સહિત કુલ છ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદની વિગત મુજબ ઢીચડા ગામે સરકારી સ્કૂલ પાસે રહેતા 44 વર્ષીય હુસેનભાઈ કાસમભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અલ્તાફ ઇસ્માઇલ કોટાઈ, આરીફ ઇસ્માઇલ કોટાઈ, ગુલામ ઇબ્રાહીમ કોટાઈ, યુનુસ ઉર્ફે બાબુ ટકો મામદભાઈ કોટાઈ તથા બે અજાણ્યા શખ્સોના નામ દર્શાવવામાં આવ્યા છે. તમામ નામજોગ આરોપીઓ ઢીચડા ગામના હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે.

પોલીસ ફરિયાદ મુજબ આશરે બે વર્ષ પહેલાં ફરિયાદીના ભત્રીજાની કારને લગતા અકસ્માતમાં અલ્તાફ અને આરીફના સગા ભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવને લઈને બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ જૂની અદાવતનો ખાર રાખી રવિવારે તા. 4 ઓક્ટોબરના રાત્રિના આશરે 8 વાગ્યે આરોપીઓ એકસંપ થઈ કારમાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ કાર ફરિયાદીના મોટરસાઇકલ સાથે અથડાવી તેને નીચે પાડી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ એક આરોપીએ છરી વડે હાથની આંગળીઓમાં ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે શરીર તથા બંને પગમાં માર માર્યો હતો. હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. લોકો એકત્ર થવા લાગતાં હુમલાખોરો ત્યાંથી કારમાં નાસી ગયા હોવાનું જણાવાયું છે.

હુમલામાં ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે ઈજા તેમજ હાથની આંગળીઓમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. બનાવ અંગે બેડી મરીન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત મોટર વાહન અધિનિયમ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *