ગાંધી જયંતીના દિવસે રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધી ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે થયો. સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા અને ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કર્યો. આજે રાજકો મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ગાંધી એવોર્ડ પણ જાહેર કરાયા હતા.
મ્યુઝિયમ મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં આવેલું છે. ત્યાં ગાંધીજીના જીવનના આદર્શો અને જીવનચરિત્ર ઓડિયો, વિઝ્યુઅલ અને એલઈડી સ્ક્રીન દ્વારા દર્શાવાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 1 ઓક્ટોબર, 2018ના રોજ તેનું લોકાર્પણ કર્યું હતું. ટિકિટ વિન્ડો, ક્લોકરૂૂમ, ગાઇડ, પાર્કિંગ, ગાર્ડન, લાઇબ્રેરી, વીઆઇપી લોન્જ, કોન્ફરન્સ રૂૂમ, એક્ઝિબિશન હોલ અને રેસ્ટોરન્ટની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે.
મેયર ડો. નેહલ શુક્લે કહ્યું કે ગાંધીજી પ્રત્યેની લાગણી હંમેશ યાદ રહે છે. દર વર્ષે મહાનગરપાલિકા ગાંધી એવોર્ડ જાહેર કરે છે. આ વર્ષના નામ આજે જાહેર થયા. સન્માન જનરલ બોર્ડમાં આપવામાં આવશે. ગાંધી એવોર્ડ માટે સામાજિક શ્રેષ્ઠી નરેશભાઈ પટેલ, સમાજ શ્રેષ્ઠી દાતા મૌલેશભાઈ ઉકાણી, ઉદ્યોગ દાતા રામભાઈ મોકરિયા, સેવાકીય સંસ્થા નિયો ફાઉન્ડેશન, સહકાર ક્ષેત્રે દિનેશભાઈ પાઠક, નારીરત્ન ઈન્દિરાબેન શીંગાળા અને કલા ક્ષેત્રે તેજશભાઈ શીશાંગિયાના નામ જાહેર થયા.
કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા અને ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ અને ડીસીપી હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા. મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, પ્રવાસન નિગમના પ્રતિનિધિ, મ્યુઝિયમ એજન્સીના કર્મચારી અને મુલાકાતીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું કે ઐતિહાસિક મ્યુઝિયમની મુલાકાત લઈ ગાંધીજીના આદર્શો પોતાના જીવનમાં અમલમાં મૂકે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
