રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સીતાજી ટાઉનશિપ પાછળ આવેલી મધર ટેરેસા સરકારી સ્કૂલ નંબર 88માં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત ટાંક નામના શિક્ષકે ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરાને ગણિત વિષયમાં સારા માર્ક્સ આપી પાસ કરાવી દેવાની લાલચ આપીને કારમાં પોતાના ફ્લેટ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીનીની માતાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીર ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની ધાકધમકી અને પોક્સો એક્ટ હેઠળ આકરી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થીની વર્ષ 2023થી 2026 દરમિયાન સંબંધિત સરકારી શાળામાં ધોરણ 6થી 8નો અભ્યાસ કરતી હતી અને હાલ તે અન્ય શાળામાં અભ્યાસ કરી રહી છે. ગત તારીખ 23ના રોજ ઘરે ગુમસુમ બેઠેલી પુત્રીને જોઈ માતાને ચિંતા થતાં તેને હિંમત આપી પૂછપરછ કરી હતી. ત્યારે પુત્રીએ નવ મહિના બાદ તેની સાથે બનેલી આપવીતી જણાવતા કહ્યું કે, ગત જાન્યુઆરી માસમાં ગણિતનો પિરિયડ લેવા આવતા મોહિત ટાંક સર તેને ગણિતમાં સારા ગુણ આપવાની લાલચ આપતા હતા. આ ઉપરાંત વર્ગખંડમાં કોઈ ન હોય ત્યારે તેને અવારનવાર હગ અને કિસ કરતા હતા.
જો તે આ બાબતે વિરોધ દર્શાવે તો શિક્ષક તેને ગણિતમાં નાપાસ કરી દેવાની ધમકી આપતા હતા. ગત જાન્યુઆરી માસમાં શાળાના સમય દરમિયાન સવારે છાત્રા શાળાએ પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા શિક્ષકે તેને બોલાવી ઘરે ચાલવા કહ્યું હતું. વિદ્યાર્થીનીએ ના પાડતા શિક્ષકે તેની સ્કૂલ બેગ ખેંચીને ધમકી આપી હતી કે જો કોઈ પૂછે તો એવું કહેવું કે બુક ઘરે ભૂલી ગઈ છું જેથી સર મુકવા આવે છે. જો તેમ નહીં કરે તો ભણતરમાં આગળ વધવા નહીં દેવાની ધમકી આપતાં ડરના માર્યા વિદ્યાર્થીની તેની સાથે ગઈ હતી. માર્ગમાં અન્ય વિદ્યાર્થીઓ કે વાલીઓએ પૂછતા તેણે શિક્ષકે શીખવેલું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ શિક્ષક તેને મવડી રોડ સ્થિત સ્વામિનારાયણ ચોક નજીક આવેલા પોતાના ફ્લેટ પર કારમાં લઈ ગયો હતો અને બેડરૂૂમમાં લઈ જઈ ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ બાદ પણ શિક્ષક તેને અવારનવાર ખાલી ક્લાસરૂૂમમાં બોલાવીને શારીરિક રીતે અડપલાં કરતો હતો અને વાત જાહેર કરશે તો ગણિતમાં ફેલ કરવાની તથા પોતે હાથ પર છરકા મારી લેવાની ધમકી આપતો હતો. પુત્રીની આ ચોંકાવનારી આપવીતી સાંભળી વાલીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓએ તુરંત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. મેઘાણીનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તત્કાળ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની આકરી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષક મોહિત ટાંકની અટકાયત કરી કાયદાકીય પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ વાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષક સામે થયેલી ફરિયાદની કોપી પોલીસ દ્વારા આવતીકાલે આપવામાં આવશે અને ત્યારબાદ શિક્ષકની ધરપકડ થશે અને 48 કલાક જેલમાં રહેશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે.
